Ahmedabad Police: ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. દારૂબંધીને લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દારૂના કેસોમાં પણ અચાનક વધારો નોંધાયો છે. અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, હવે સૂત્રોના હવાલાથી એવો ગંભીર દાવો સામે આવ્યો છે કે, કેટલાક વિસ્તારોમાં સ્થાનિક પોલીસના વહીવટદારો દ્વારા ઉચ્ચ અધિકારીઓના આદેશોને અવગણીને બુટલેગરોને દિવસે બે કલાક દારૂની હેરફેર અને વેચાણ માટે છૂપી રીતે છૂટ આપવામાં આવી રહી છે.
ચેકિંગથી બચવા ‘સુરક્ષિત રૂટ’ની માહિતી આપવાનો દાવો
સૂત્રો મુજબ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં જ્યાં VVIP મૂવમેન્ટ વધુ રહે છે, તેવા પોશ તેમજ સામાન્ય વિસ્તારો સહિત ચારથી પાંચ વિસ્તારમાં દિવસ દરમિયાન ચોક્કસ સમયગાળા માટે દારૂની હેરફેર થતી હોવાની ચર્ચા છે. દાવા મુજબ, સ્થાનિક વહીવટદારો દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓના દારૂબંધીના આદેશોને અવગણીને આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ સ્ટેશનના કેટલાક વહીવટદારો જ બુટલેગરોને પોલીસ ચેકિંગથી બચવા માટેના કથિત ‘સુરક્ષિત રૂટ’ અંગે માહિતી આપતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
પોલીસ-બુટલેગર સાંઠગાંઠના આક્ષેપોથી અનેક સવાલો
અમદાવાદ પોલીસે અગાઉ પ્રોહિબિશન ડ્રાઇવ વધુ કડક બનાવી અન્ય રાજ્યોમાંથી આવતો દારૂ રોકવા માટે કાર્યવાહી કરી હતી. તેમ છતાં, દારૂની માંગ યથાવત્ હોવાના કારણે બુટલેગરો દ્વારા જોખમનું કારણ આગળ ધરી દારૂના ભાવમાં અનેકગણો વધારો કરાયો હોવાની ચર્ચા છે. બીજી તરફ, કેટલાક સ્થાનિક પોલીસકર્મીઓ દ્વારા હપ્તાની રકમમાં વધારો કરીને નાના પાયે દારૂની હેરફેરને કથિત રીતે આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
પોલીસ અને બુટલેગરો વચ્ચે ખરેખર કોઈ સાંઠગાંઠ
લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બાદ રાજ્યમાં દારૂબંધીને લઈને પોલીસ તંત્ર પર વધુ જવાબદારી આવી છે. આવી સ્થિતિમાં જો સ્થાનિક સ્તરે પોલીસ અને બુટલેગરો વચ્ચે ખરેખર કોઈ સાંઠગાંઠ હોવાના આક્ષેપો સાચા સાબિત થાય, તો તે સમગ્ર દારૂબંધીની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરી શકે છે. હવે આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ અને જો આક્ષેપો સાચા હોય તો જવાબદાર પોલીસકર્મીઓ સામે શું કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર રહેશે.








