Ahmedabad Open Drain Tragedy:ગુજરાતની સૌથી ધનવાન અને 'સ્માર્ટ સીટી' ગણાતી અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. પીરાણા-પીપળજ રોડ પર આવેલી અંદાજે 35થી 40 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં ખાબકેલી 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીને શોધી કાઢવામાં તંત્ર સતત 5 દિવસ વિત્યા બાદ પણ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. રૂ. 18,000 કરોડ કરતા પણ વધુનું વાર્ષિક બજેટ ધરાવતી મહાનગરપાલિકા પાસે તમામ અદ્યતન મશીનરી હોવાના મસમોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આટલા દિવસો છતાં માસુમ બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી. આ ઘટનાએ તંત્રના કાગળ પરના સુવિધાસભર દાવાઓની પોલ ખોલી નાખી છે.
ડિસ્ચાર્જ પોઈન્ટ પર બેદરકારીની પરાકાષ્ઠા
ગટરમાં પડેલી બાળકી પાણીના તીવ્ર પ્રવાહમાં વહીને આગળ ગઈ હોવાની શક્યતાઓ વચ્ચે સ્થાનિક લોકો અને મીડિયા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સાબરમતી નદી પાસે STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બાદ જ્યાં ડ્રેનેજ લાઈનનું પાણી છોડવામાં આવે છે, તે ડિસ્ચાર્જ પોઈન્ટ પર તંત્ર દ્વારા તપાસ માટે એક પણ ટીમ તૈનાત કરવામાં આવી નથી. નદીના આ મુખ્ય સ્થાન પર મોનિટરિંગ માટે એક પણ વ્યક્તિની હાજરી ન હોવાના કારણે તંત્રની તપાસ માત્ર નામપૂરતી અને દેખાડા ખાતર થઈ રહી હોય તેવા સવાલો ઉભા થયા છે.
અદ્યતન ટેકનોલોજી ક્યાં ગાયબ?
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જ્યારે ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓની મુલાકાત હોય ત્યારે રાતોરાત રોડ-રસ્તા ચમકાવી દેવા માટે તમામ સંસાધનો અને મશીનરી કામે લગાડી દે છે. અગાઉ ગટરો અને નદીની સફાઈ કે શનિ-રવિના ઓપરેશન માટે હાઈટેક રોબોટિક કેમેરા, CCTV ટેકનોલોજી અને વિશેષ સાધનોના કરોડો રૂપિયાના ખર્ચાઓના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે જ્યારે એક નિર્દોષ માસુમનો જીવ જોખમમાં છે, ત્યારે આ અદ્યતન ટેકનોલોજી અને મશીનરી ક્યાં ગાયબ થઈ ગઈ તે સવાલ દરેક નાગરિક પૂછી રહ્યો છે.
માતા-પિતાની અસહ્ય પીડા
દુર્ઘટના બાદથી બાળકીના ગરીબ માતા-પિતાની માનસિક સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ છે. પોતાના સંતાનને ગુમાવવાની પીડા તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. શ્રમજીવી પરિવારે અત્યંત દુઃખી હૃદયે જણાવ્યું છે કે તેઓ બાળકી જે પણ સ્થિતિમાં મળે તેને સ્વીકારવા તૈયાર છે, પરંતુ તંત્રની ધીમી ગતિની કામગીરી તેમને વધુ તોડી રહી છે. તંત્રના આવા વલણને જોઈને હવે એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે શું ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકના જીવની તંત્ર માટે કોઈ કિંમત નથી?
તંત્ર સામે ઉઠતા તીખા અને અણિયારા સવાલો
આ સમગ્ર કિસ્સાએ તંત્રની કામ કરવાની નિયત સામે અનેક ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ખડા કર્યા છે:
કેમ એક ગરીબ શ્રમજીવી પરિવારની બાળકીને શોધવામાં આટલો અસહ્ય વિલંબ થઈ રહ્યો છે?
જો આ ઘટના કોઈ વગદાર કે ધનિક પરિવારના બાળક સાથે બની હોત, તો પણ શું તંત્ર આટલી જ નિષ્ક્રિયતા દર્શાવતા?
સાબરમતી નદીના ડિસ્ચાર્જ પોઈન્ટ પર સતત મોનિટરિંગ માટે ટીમ કેમ મૂકવામાં ન આવી?
ડ્રેનેજ લાઈનની સફાઈ અને CCTV તપાસ માટે ચૂકવાતા કરોડો રૂપિયા આખરે ક્યાં વપરાય છે?
શું મહાનગરપાલિકા ગરીબ અને અમીર વચ્ચે ભેદભાવ રાખીને પોતાની જવાબદારીઓમાંથી છટકી રહી છે?
મહાનગરપાલિકા અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોએ આ સવાલોમાંથી બોધપાઠ લઈને તાત્કાલિક ધોરણે તમામ મોરચે યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવી જોઈએ, જેથી પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળી શકે.








