Ahmedabad Nirnaynagar Fire News: અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલી ત્રિસા હોસ્પિટલ નજીક બુધવારે (18 નવેમ્બર) ખુલ્લા મેદાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફટાકડાની દુકાનની બિલકુલ પાછળ આગ લાગતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગની લપેટમાં આવતા એક પછી એક ગેસના બાટલા ફાટતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
ગેસના બાટલા ફાટતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગની લપેટમાં આવતા એક પછી એક ગેસના બાટલા ફાટ્યા હતા. બાટલા ફાટવાના કારણે આગ વધુ ભીષણ બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાયો હતો.
આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા
ભીષણ આગને પગલે વિકરાળ જ્વાળાઓ સાથે કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી જોવા મળ્યા હતા. આગની ગંભીર સ્થિતિને જોતા સ્થાનિકોએ પણ પાણીની પાઇપ વડે આગ પર કાબૂ મેળવવાના પ્રાથમિક પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.








