Youth beaten in Bapunagar: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં દાદાગીરીનો વિરોધ કરવો એક યુવક માટે ભારે પડી ગયો છે. વિસ્તારમાં પ્રભાવ જમાવતાં તત્વો સામે અવાજ ઉઠાવનાર યુવક પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચાની કીટલી પાસે બનેલી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે. મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવક સાહિલ શેખ, જે સ્ટીમ પ્રેસનું કામ કરે છે, તે મોડી રાત્રે ચાની કીટલી પાસે ઉભો હતો ત્યારે આરોપીઓ અયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને આવેશ મિર્ઝા ત્યાં આવી પહોંચ્યા હતા. અગાઉ થયેલા વિવાદને કારણે તેઓ સાહિલ સાથે ઝઘડો કરવા ઇચ્છતા હતા. બોલાચાલી બાદ મામલો ઝડપથી હિંસક બની ગયો હતો.
હુમલાખોરોએ તેની પર દંડા અને પાઇપ વડે માર મારવાનું ચાલુ રાખ્યું
ત્રણેય આરોપીઓએ સાહિલ પર ધોકા, ખુરશી અને કુહાડી જેવા હથિયારો વડે હુમલો શરૂ કર્યો હતો. અચાનક હુમલાથી ગભરાયેલો સાહિલ પોતાનો જીવ બચાવવા દોડ્યો અને નજીકના અજીત મિલ કમ્પાઉન્ડ તરફ ભાગ્યો, પરંતુ હુમલાખોરોએ તેનો પીછો ચાલુ રાખ્યો. દોડતા દોડતા આરોપીઓએ સાહિલને પકડીને તેના માથામાં કુહાડીનો ફટકો માર્યો, જેના કારણે તે જમીન પર પટકાઈ ગયો હતો. આ બાદ પણ હુમલાખોરોએ તેની પર દંડા અને પાઇપ વડે માર મારવાનું ચાલુ રાખ્યું હતું. ઘટનાસ્થળે સાહિલની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો એકત્રિત થયા હતા. લોકો ભેગા થતા આરોપીઓએ સાહિલને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
બાપુનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી
ઈજાગ્રસ્ત સાહિલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ બાપુનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. આ ઘટના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી સવાલો ઊભા કરે છે. સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.








