Ahmedabad News: અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાથી કારને થયેલા નુકસાનની બાબતે મોટો વિવાદ સર્જાયો છે. અખબારનગર ફ્લેટમાં કારને થયેલા સામાન્ય નુકસાનને લઈને મહિલા PSI, સ્થાનિક રહીશો અને ભાજપના કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. કારનું નુકસાન ભરપાઈ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવા છતાં મામલો વણસ્યો હતો. હવે આ વિવાદમાં મહિલા PSI અને ભાજપના કોર્પોરેટર સહિત સ્થાનિક રહીશોએ વાડજ પોલીસ સ્ટેશનમાં સામસામે અરજીઓ આપી છે. બંને પક્ષે એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
મહિલા PSIએ કોર્પોરેટર અને દંપતી સામે મારમારી-છેડતીની અરજી આપી
અખબારનગર ફ્લેટમાં રહેતાં અને ગુજરાત પોલીસમાં PSI તરીકે ફરજ બજાવતાં કલ્પના જેઠવાએ વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. તેમણે નવા વાડજ વોર્ડના ભાજપના કોર્પોરેટર અને ફ્લેટના સેક્રેટરી વિરાટ પુરોહિત, સ્થાનિક રહીશ દેવાંગ પટેલ તથા તેમની પત્ની હિરલ પટેલ સામે મારમારી અને છેડતીના ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદ મુજબ, દિવાળીના દિવસે ફટાકડા ફોડવાથી કારને નુકસાન થયું હતું. આ મુદ્દે બીજા દિવસે સવારે દેવાંગ પટેલ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સાંજે સોસાયટીની ઓફિસ પાસે મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને ઝપાઝપી થઈ હતી.
મહિલા PSIએ માતા-પિતાને ગાળો આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી: કોર્પોરેટર
બીજી તરફ, ભાજપના કોર્પોરેટર વિરાટ પુરોહિતે મહિલા PSI દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ફગાવ્યા છે. તેમનું કહેવું છે કે ઝપાઝપી થઈ ત્યારે તેઓ ઘટનાસ્થળે હાજર જ નહોતા. કોર્પોરેટરના જણાવ્યા મુજબ, સ્થાનિક રહીશ દેવાંગ પટેલે CCTV ફૂટેજ તપાસીને કારને થયેલા નુકસાનની ભરપાઈ કરવાની તૈયારી દર્શાવી હતી. તેમ છતાં મહિલા PSI સોસાયટીની ઓફિસમાં આવીને તેમના માતા-પિતાને અપશબ્દો બોલ્યાં હતાં અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
વાડજ પોલીસ સ્ટેશનમાં સામસામે અરજીઓ
આ સમગ્ર વિવાદમાં મહિલા PSIએ એક તરફ કોર્પોરેટર અને દંપતી સામે અરજી આપી છે, જ્યારે બીજી તરફ કોર્પોરેટર અને સ્થાનિક રહીશોએ પણ મહિલા PSI સામે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસે બંને પક્ષોની રજૂઆતો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીના ફટાકડાથી કારને થયેલા નુકસાનથી શરૂ થયેલો આ વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.








