Ahmedabad Police Bust Fake Foreign Liquor Racket: અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઠક્કરબાપાનગરના એક મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે LCB ઝોન-5 અને કૃષ્ણનગર પોલીસની સંયુક્ત ટીમે રવિવારે સાંજના સમયે આ મકાન પર અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન મકાનમાં સસ્તા વિદેશી દારૂને જાણીતી અને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરીને વધુ કિંમતે વેચવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
સ્થળ પરથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી કૌભાંડ આચરી રહેલા 23 વર્ષીય યુવક હેમલ ઉર્ફે હેમુ વાઘેલાની અટકાયત કરી હતી. પોલીસે આ સ્થળેથી વિદેશી દારૂ, બિયરનો જથ્થો, મોંઘી બ્રાન્ડ્સના ડુપ્લિકેટ લેબલ્સ/સ્ટીકરો, ખાલી બોટલો તેમજ બોટલના ઢાંકણાઓ સહિત રૂ. 1.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓ સસ્તા દારૂમાં મોંઘી બ્રાન્ડનું પેકિંગ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હતા.
સસ્તા દારૂનું મોંઘા ભાવે રિ-પેકિંગ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક ખૂબ જ ચાલાકીપૂર્વક ચલાવવામાં આવતું હતું. આરોપીઓ માર્કેટમાંથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની ખાલી બોટલો એકઠી કરતા હતા. ત્યારબાદ તેમાં સસ્તો દારૂ ભરીને ઉપરથી નવી બ્રાન્ડ જેવા જ દેખાતા ડુપ્લિકેટ સ્ટીકર અને પેકિંગ લગાવી દેતા હતા, જેથી ગ્રાહકોને આ દારૂ અસલી જ લાગે. આ રીતે તેઓ પિવાના શોખીન લોકોને ઊંચા ભાવે નકલી પેકિંગવાળો દારૂ વેચીને મોટો આર્થિક ફાયદો મેળવતા હતા.
નકલી દારૂથી સાવચેત રહેવા અપીલ
નકલી કે મિશ્રણ કરેલો દારૂ આરોગ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. સસ્તા દારૂમાં કેમિકલ કે અસ્વચ્છ પદાર્થોનું મિશ્રણ કરીને મોંઘી બોટલોમાં વેચવાના આ કૌભાંડથી પીનારા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. નાગરિકોને આવી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ.
અન્ય સાગરીતોની શોધખોળ: પોલીસની ટીમો કાર્યરત
આ સમગ્ર રેકેટમાં માત્ર એક જ વ્યક્તિ સામેલ નહોતો, પરંતુ તેની સાથે અન્ય સાગરીતો પણ સંકળાયેલા છે. પોલીસ તપાસ દરમિયાન આ ગુનાહિત કાવતરામાં અન્ય 3 આકાઓ અને સાગરીતોની સંડોવણી હોવાનું ખુલ્યું છે. હાલ કૃષ્ણનગર પોલીસે પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરાર થયેલા અન્ય ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.








