Ahmedabad Navratri Fire Safety: અમદાવાદમાં આગામી નવરાત્રિ દરમિયાન એરકન્ડિશન્ડ ડોમ ધરાવતા પ્રીમિયમ અને મિડ-લેવલ પાર્ટી પ્લોટની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ગત વર્ષે આવા આશરે 50 ડોમ હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા 60થી વધુ થવાની શક્યતા છે. એસજી હાઇવે, સિંધુભવન રોડ અને એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં મોટા ક્લોઝ્ડ સ્ટ્રક્ચર ઊભા કરવાની તૈયારીઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગે ગરબા આયોજકો માટે વિસ્તૃત જાહેરનામું તૈયાર કર્યું છે, જે ટૂંક સમયમાં સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે.
30 મુદ્દાની કડક ફાયર સેફ્ટી ગાઇડલાઇન
નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને નાગરિકો એકત્ર થતા હોવાથી આગ અને અન્ય અકસ્માતને રોકવા માટે ફાયર વિભાગે આશરે 30 મુદ્દાની ફાયર સેફ્ટી ગાઇડલાઇન તૈયાર કરી છે. તેમાં પંડાલની ક્ષમતા પ્રમાણે જ પ્રવેશ આપવાનો નિયમ રાખવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા ઉપલબ્ધ કરાવવી ફરજિયાત રહેશે. સાથે જ પંડાલમાં એકબીજાની સામેની દિશામાં ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે.
ડોમ, સ્ટેજ અને સીટિંગ માટે પણ નિયમો
મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટેજ ઊભું કરતી વખતે સ્કૂલ, હોસ્પિટલ અને જ્વલનશીલ સામગ્રીના ગોડાઉનથી પૂરતું અંતર રાખવું પડશે, જેથી ઇમરજન્સીમાં ફાયર ફાઇટર વાહનો સરળતાથી પહોંચી શકે. ભઠ્ઠી, સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઇ-ટેન્શન લાઇન અથવા રેલવે લાઇનની નીચે કે તેની નજીક પંડાલ બાંધી શકાશે નહીં. બે સ્ટ્રક્ચર વચ્ચે ઓછામાં ઓછું 2 મીટરનું અંતર રાખવાનું રહેશે. પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાની મંજૂરી નહીં હોય અને બહાર નીકળવાનો ટ્રાવેલિંગ ડિસ્ટન્સ 15 મીટરથી વધુ રાખી શકાશે નહીં. સીટિંગ વ્યવસ્થામાં દર 10 બેઠકો બાદ ઓછામાં ઓછો 1.5 મીટર પહોળો પેસેજ રાખવો પડશે, જેથી ઇમરજન્સીમાં લોકો સરળતાથી બહાર નીકળી શકે.
ઇલેક્ટ્રિકલ વાયરિંગથી પડદા-કાર્પેટ સુધી સેફ્ટી ચેક
ડોમમાં કરવામાં આવતી ઇલેક્ટ્રિકલ વાયરિંગની સરકારી માન્ય ઇજનેર પાસે ચકાસણી કરાવી તેનો ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરવો પડશે. ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ એસી અથવા જીઆઇ શીટના હોવા જરૂરી રહેશે. પંડાલમાં ઉપયોગમાં લેવાતા પડદા અને કાર્પેટને ફાયર રીટાર્ડન્ટ પેઇન્ટથી સુરક્ષિત કરવા પડશે. જો પંડાલમાં મોશન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન લગાવવામાં આવે તો તેના પર સેફ્ટી ફિલ્મ પણ લગાવવી ફરજિયાત રહેશે.
આગ સામે સુરક્ષા માટે આ સાધનો ફરજિયાત
આયોજકોએ દર 100 ચોરસ મીટર વિસ્તાર માટે બે ABC ફાયર એક્સ્ટિંગ્વિશર, દરેક 6 કિલોની ક્ષમતાના, અને બે CO2 ફાયર એક્સ્ટિંગ્વિશર, દરેક 4.5 કિલોની ક્ષમતાના રાખવાના રહેશે. આ ઉપરાંત 200 લીટર પાણી ભરેલું ઢાંકણવાળું ડ્રમ અને રેતી ભરેલી બે ડોલ પણ ઉપલબ્ધ રાખવાની રહેશે. પંડાલમાં ફ્લોર એરિયા પ્રમાણે ઓછામાં ઓછો 0.35 લીટર પ્રતિ ચોરસ મીટર પાણીનો પુરવઠો ઉપલબ્ધ હોવો જોઈએ.
પ્રશિક્ષિત સ્વયંસેવકો અને ઇમરજન્સી સિગ્નેજ જરૂરી
ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરી શકે તેવા જાણકાર અને પ્રશિક્ષિત સ્વયંસેવકોને સમગ્ર ગરબા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક તૈનાત રાખવાના રહેશે. માતાજીની મૂર્તિ પાસે પ્રગટાવવામાં આવતા દીવા નીચે રેતી રાખવી પડશે અને ત્યાં સતત ઓછામાં ઓછો એક સ્વયંસેવક હાજર રાખવાનો રહેશે. ઇમરજન્સીમાં લોકોને સૂચના આપવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ફરજિયાત રહેશે. આ ઉપરાંત 'NO SMOKING ZONE', 'Exit' અને 'Emergency Exit'ના બોર્ડ ઓટો-ગ્લો મટીરિયલથી લગાવવાના રહેશે. ફાયર વિભાગની મંજૂરી ઉપરાંત પોલીસ, ટ્રાફિક અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જરૂરી લાઇસન્સ તથા NOC મેળવવાના રહેશે. આયોજકોએ ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ અને નેશનલ બિલ્ડિંગ કોડના પાર્ટ-4 મુજબ સેલ્ફ ડિક્લેરેશન પણ આપવું પડશે.








