Ahmedabad Navratri 2026: અમદાવાદમાં આગામી નવરાત્રિ મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાય તે માટે પોલીસ તંત્રએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર પોલીસ, ગરબા આયોજકો અને ફાયર વિભાગ વચ્ચે યોજાયેલી સંકલન બેઠકમાં ખેલૈયાઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને ગરબા સ્થળોની સલામતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વખતે ગરબા ગ્રાઉન્ડમાં નાસભાગ જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિત કેમેરા ટેક્નોલોજીથી ગ્રાઉન્ડની ક્ષમતા પર નજર રાખવામાં આવશે.
ક્ષમતા કરતાં વધુ લોકો પહોંચ્યા તો AI આપશે એલર્ટ
ગરબા સ્થળો પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે ભીડનું યોગ્ય સંચાલન પોલીસ માટે મોટો પડકાર બને છે. આથી આ વર્ષે AI આધારિત કેમેરા સિસ્ટમ દ્વારા ગ્રાઉન્ડમાં પ્રવેશતા લોકોની સંખ્યા અને સ્થળની ક્ષમતા પર નજર રાખવામાં આવશે. જો કોઈ ગરબા ગ્રાઉન્ડમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ લોકો પ્રવેશશે તો સિસ્ટમ દ્વારા તાત્કાલિક ચેતવણી આપવામાં આવશે. આ આધારે પ્રવેશ અટકાવીને ભીડ વધુ વધતી રોકવાનો અને નાસભાગ જેવી સંભવિત પરિસ્થિતિ ટાળવાનો પ્રયાસ કરવામાં આવશે.
અસામાજિક તત્ત્વો પર ફેસ રિકોગ્નિશનથી નજર
નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળો પર મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને પણ ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભૂતકાળમાં ગરબા દરમિયાન અડપલાં કે અન્ય પ્રકારનો વિક્ષેપ ઊભો કરનારા તત્ત્વોના ફોટોગ્રાફ્સ ફેસ રિકોગ્નિશન ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે. ગરબા પંડાલમાં આવા લોકોની હિલચાલ જોવા મળે તો કેમેરા સિસ્ટમની મદદથી તેમને ઓળખીને પોલીસ સતર્ક થઈ શકશે.
SHE ટીમ ખાસ તહેનાત રહેશે
મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસની SHE ટીમને ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારોમાં ખાસ તહેનાત કરવામાં આવશે. છેડતી અથવા અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટીમો સતત નજર રાખશે. પોલીસનું કહેવું છે કે ગરબા મહોત્સવ દરમિયાન મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે પેટ્રોલિંગ અને દેખરેખ વધુ મજબૂત કરવામાં આવશે.
આયોજકો માટે NOC અને સેફ્ટી ચેક ફરજિયાત
અમદાવાદ શહેરમાં પાર્ટી પ્લોટ, ક્લબ, બંધ હોલ અને કામચલાઉ સ્ટ્રક્ચર્સમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે એકત્ર થાય છે. આથી તમામ આયોજકોને સમયસર જરૂરી મંજૂરી અને લાઇસન્સ મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. આયોજકોએ ફાયર બ્રિગેડની NOC, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ તેમજ ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા વાયરિંગ અને કરંટ લિકેજની તપાસ પૂર્ણ કરાવવાની રહેશે. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ આયોજકો સાથે સંકલન કરીને જરૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાવવા સૂચના આપવામાં આવી છે.
મોડી રાતે ટ્રાફિક માટે પણ પોલીસનો કડક બંદોબસ્ત
ગરબા મોડી રાત્રે પૂર્ણ થયા બાદ એકસાથે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને લોકો રસ્તા પર નીકળે છે. આ દરમિયાન ટ્રાફિક જામ, ઓવર સ્પીડિંગ અને માર્ગ અકસ્માત જેવી સમસ્યાઓ ઊભી ન થાય તે માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર તૈનાત રહેશે. પોલીસ દ્વારા ગરબા સ્થળોની આસપાસ તેમજ મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. લોકો સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચે ત્યાં સુધી પોલીસની દેખરેખ જાળવવામાં આવશે.
મર્યાદિત અને સુરક્ષિત માહોલમાં નવરાત્રિ ઉજવવા અપીલ
અમદાવાદ પોલીસ દ્વારા ગરબા આયોજકોને તમામ મંજૂરી અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ ખેલૈયાઓ અને નાગરિકોને પણ પોલીસ તંત્રને સહયોગ આપવા જણાવાયું છે. માતાજીની આરાધનાનો આ પર્વ કોઈ અનિચ્છનીય ઘટના વિના મર્યાદાપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ટેક્નોલોજી, પોલીસ બંદોબસ્ત અને આયોજકો વચ્ચે સંકલન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.








