Ahmedabad Narol lift accident: અમદાવાદના નારોલ વિસ્તારમાં શાંતિ શુક્ર સોસાયટીમાં બનેલી લિફ્ટ દુર્ઘટનામાં 12 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. શાળાએથી પરત ફરેલો બાળક પોતાના ઘરે જવા માટે લિફ્ટમાં સવાર થયો હતો. આ દરમિયાન અચાનક લિફ્ટમાં ગંભીર ખામી સર્જાતા તે અકસ્માતનો ભોગ બન્યો હતો. ઘટનામાં બાળકને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
શાળાએથી અભ્યાસ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત આવ્યો
મળતી માહિતી મુજબ, બાળક રોજની જેમ શાળાએથી અભ્યાસ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત આવ્યો હતો. સોસાયટીમાં પહોંચ્યા બાદ તે પોતાના ફ્લેટ પર જવા માટે લિફ્ટમાં સવાર થયો હતો. લિફ્ટ ઉપરના માળ તરફ જઈ રહી હતી તે દરમિયાન અચાનક નીચે તરફ ધસી ગઈ હતી. આ દરમિયાન બાળક લિફ્ટના ભાગોમાં ફસાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સોસાયટીના રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે એકત્ર થયા
અકસ્મિક ઘટના બાદ સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સોસાયટીના રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે એકત્ર થયા હતા. જોકે, ગંભીર ઈજાઓના કારણે બાળકને બચાવી શકાયો નહોતો. થોડા સમય પહેલાં જ સ્કૂલ બેગ લઈને ઘરે પરત ફરેલા બાળકના અચાનક મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર સોસાયટીમાં શોકનો માહોલ છવાયો છે.
લિફ્ટમાં કઈ પ્રકારની ખામી સર્જાઈ હતી
આ દુર્ઘટના બાદ સોસાયટીની લિફ્ટની સુરક્ષા અને તેના મેન્ટેનન્સને લઈને પણ સવાલો ઊભા થયા છે. લિફ્ટમાં કઈ પ્રકારની ખામી સર્જાઈ હતી, સેફ્ટી સિસ્ટમ અને અન્ય સુરક્ષા ઉપકરણોએ યોગ્ય રીતે કામ કર્યું હતું કે નહીં તેમજ લિફ્ટનું નિયમિત મેન્ટેનન્સ થતું હતું કે નહીં તે અંગે હવે તપાસ જરૂરી બની છે. હાલ પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.








