Ahmedabad Crime News: અમદાવાદના નારોલમાં આંગડિયા વેપારીને બંદૂકની અણીએ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. નારોલ BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલા આકાર કોમ્પ્લેક્સમાં 24 સપ્ટેમ્બરની સાંજે બે લૂંટારુઓએ આંગડિયા પેઢીની કેબિનમાં ઘૂસી વેપારીને દેશી તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, વેપારીએ હિંમત દાખવી બંને લૂંટારુઓનો સામનો કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને ઝડપી લીધા હતા.
કેબિનમાં 11 લાખની રોકડ હતી
વસ્ત્રાલમાં રહેતા 38 વર્ષીય અંકિત ગજ્જર નારોલમાં આવેલી પોતાની આંગડિયા પેઢીની કેબિનમાં એકલા હતા. આ દરમિયાન બે શખસો કેબિનમાં ઘૂસી આવ્યા હતા. ટેબલના ખાનામાં આશરે ₹11 લાખની રોકડ હોવાનું જાણતા બંનેએ અંકિત ગજ્જર પર દેશી તમંચો તાકી નાણાંની માગણી કરી હતી. લૂંટારુઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે, અંકિત ગજ્જરે ગભરાયા વિના બંનેના હથિયાર ધરાવતા હાથ પકડી લીધા હતા.
વેપારીએ હિંમત બતાવી, આસપાસના લોકો દોડી આવ્યા
અંકિત અને બંને લૂંટારુઓ વચ્ચે ઝપાઝપી થતાં તેમને ઈજાઓ પણ પહોંચી હતી. તેમ છતાં તેમણે મદદ માટે જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. બૂમાબૂમનો અવાજ સાંભળીને આસપાસની ઓફિસોના કર્મચારીઓ અને અન્ય લોકો દોડી આવ્યા હતા. લોકોએ બંને લૂંટારુઓને સ્થળ પર જ પકડી લીધા હતા. ઘટનાની જાણ થતાં ઈસનપુર પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને આરોપીઓને કબજામાં લીધા હતા.
3 દેશી તમંચા અને 19 જીવતા કારતૂસ મળ્યા
પોલીસે પકડાયેલા આરોપીઓની ઓળખ રાજન ધનંજય શાહ અને અલી અહમદ રૂસ્તમ અલી શેખ તરીકે કરી છે. બંને મૂળ શિવાન, બિહારના રહેવાસી હોવાનું અને હાલ ઈસનપુરમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને પાસેથી 3 દેશી તમંચા અને 19 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બે દિવસ પહેલાં જ આંગડિયા પેઢીની રેકી કરી હતી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ છેલ્લા 6થી 8 મહિનાથી ઈસનપુરમાં રહેતા હતા. લૂંટને અંજામ આપવા માટે તેમણે ઘટનાના બે દિવસ પહેલાં આંગડિયા પેઢીની રેકી કરી હતી અને ત્યારબાદ લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. આ કેસમાં પ્રીતમસિંહ નામના અન્ય એક સાગરીતનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સાથે જ ઝડપાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.








