Ahmedabad Naroda GIDC Fire: અમદાવાદના નરોડા GIDC ફેસ-3 વિસ્તારમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્લોટ નંબર 28 પર આવેલી કંપનીમાંથી આગની સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
આગે ગણતરીની મિનિટોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
મળતી માહિતી મુજબ, નરોડા GIDC ફેસ-3ના પ્લોટ નંબર 28 પર આવેલી ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાંથી ઊંચે સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં આસપાસની અન્ય કંપનીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
7થી વધુ ફાયર ફાઇટરો સાથે રેસ્ક્યૂ ઓપરેશન}
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આગ નજીકની અન્ય ફેક્ટરીઓ કે આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે ફાયર વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. સાથે જ સ્થળ પર રેસ્ક્યૂ અને કૂલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં
આ ભીષણ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જેના કારણે ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ કંપનીમાં થયેલા નુકસાનનો અંદાજ લગાવી શકાશે. આગ કયા કારણોસર લાગી તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.








