AMC Ward Inspector Assault Naroda: અમદાવાદના નરોડા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સના બિલની વહેંચણી કરવા ગયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વોર્ડ ઇન્સ્પેક્ટર સાથે મારામારીની ઘટના સામે આવી છે. બે શખ્સો અને બે મહિલાઓએ ઇન્સ્પેક્ટર સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. સરકારી ફરજમાં રૂકાવટ અને મારામારીના આક્ષેપસર નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટેક્સ બિલ ન મળતાં જૂનું બિલ બતાવ્યું
ગત 3 ઓગસ્ટે નરોડા વિસ્તારમાં અરીહંતનગર પાસે આવેલી જલ્પા સોસાયટીમાં AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર ઉજ્જવલ દિનેશભાઈ બરંડા પ્રોપર્ટી ટેક્સના બિલની વહેંચણી કરવા ગયા હતા. તે દરમિયાન એક શખ્સે પોતાના ઘરનું નવું ટેક્સ બિલ આવ્યું ન હોવાનું કહીને જૂનું બિલ બતાવ્યું હતું. ઉજ્જવલભાઈએ જૂના બિલનો ફોટો પોતાના મોબાઇલમાં પાડ્યો હતો અને નવું બિલ આવશે ત્યારે આપી જવાની વાત કરી હતી. ત્યારબાદ તેઓ અન્ય બિલની વહેંચણી કરવા આગળ વધ્યા હતા.
બિલનો ફોટો પાડવા બાબતે બોલાચાલી
થોડીવાર બાદ તે શખ્સ ઇન્સ્પેક્ટરની પાછળ આવ્યો હતો અને તાત્કાલિક નવું બિલ આપવાની જીદ કરવા લાગ્યો હતો. જોકે, ઉજ્જવલભાઈએ નવું બિલ હજુ આવ્યું ન હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને “મારા ઘરના ટેક્સ બિલનો મોબાઇલમાં કેમ ફોટો પાડ્યો?” તેમ કહીને ઇન્સ્પેક્ટરનો કોલર પકડી મારઝૂડ શરૂ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ચારેયે ભેગા મળીને મારામારી કરી
આ દરમિયાન વધુ એક શખ્સ અને બે મહિલાઓ ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ, ચારેયે ભેગા મળીને ઉજ્જવલભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને તેમની સરકારી કામગીરીમાં દખલ કરીને લાફા-મુક્કાથી મારામારી કરી હતી. ઘટનાથી ગભરાયેલા ઇન્સ્પેક્ટર ત્યાંથી નીકળી ગયા હતા અને સમગ્ર બનાવની જાણ પોતાના ઉપરી અધિકારીઓને કરી હતી.
નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
બાદમાં આસિસ્ટન્ટ મેનેજર સાગર જયંતીભાઈ અસારી સાથે મળીને ઉજ્જવલ દિનેશભાઈ બરંડાએ નરોડા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ અને મારામારીના આક્ષેપો અંગે ચાર લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.








