Ahmedabad AMTS Bus Accident: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં AMTS બસની ટક્કરથી બાઇકચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પલ્લવ ચાર રસ્તા પાસે બનેલી આ ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
હાટકેશ્વરથી સિલ્વર ઓક જતી બસે બાઇકને મારી ટક્કર
મળતી માહિતી મુજબ, AMTS રૂટ નંબર 160ની બસ હાટકેશ્વરથી સિલ્વર ઓક યુનિવર્સિટી તરફ જઈ રહી હતી. આ દરમિયાન નારણપુરાના પલ્લવ ચાર રસ્તા પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસની ટક્કરથી બાઇકચાલક રસ્તા પર પટકાયો હતો, જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર
અકસ્મત બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે AMTS બસોની સલામતી અને ડ્રાઇવિંગ અંગે ફરી સવાલો ઊભા થયા છે.








