Ahmedabad Minor Misdemeanor Case: અમદાવાદમાં સોશિયલ મીડિયા મારફતે સગીરાના સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવાના અને બાદમાં તેનો વાંધાજનક વીડિયો અન્ય વ્યક્તિને મોકલવાના આરોપમાં પોલીસે 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આશરે છ મહિના પહેલાં આરોપી જયદીપ રબારી સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે સોશિયલ મીડિયા મારફતે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ આરોપી સગીરાને નાના ચિલોડા નજીક આવેલી એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ છે.
હોટલમાં વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ
પોલીસ તપાસ મુજબ, હોટલમાં આરોપીએ સગીરાનો વાંધાજનક વીડિયો રેકોર્ડ કર્યો હતો. ઘટનાના સમયે પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી ડ્રાઈવિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
સગાઈ નક્કી થતાં વીડિયો મોકલ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, થોડા સમય બાદ સગીરાની અન્ય યુવક સાથે સગાઈ નક્કી થઈ હતી. આ વાતની જાણ આરોપીને થતાં તેણે કથિત રીતે સગીરાનો વાંધાજનક વીડિયો સામેના વ્યક્તિને મોકલી આપ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ સગીરાની સગાઈ તૂટી ગઈ હતી. આ ઘટનાની જાણ પરિવારને થતાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
મોબાઈલની તપાસમાં હાલ અન્ય વીડિયો મળ્યો નથી
ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના મોબાઈલ ફોન સહિતના પુરાવાની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીના મોબાઈલમાંથી અન્ય કોઈ વાંધાજનક ફોટો કે વીડિયો મળ્યો ન હોવાનું પોલીસનું કહેવું છે. આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો નથી. જોકે, સમગ્ર મામલે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને વીડિયો કેવી રીતે અન્ય વ્યક્તિ સુધી પહોંચ્યો તથા તેના વધુ પ્રસારણ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.








