Ahmedabad Police Crime News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી દહેજની માંગણી અને સાસરિયાના કથિત ત્રાસનો કરુણ કિસ્સો સામે આવ્યો છે. શાહીબાગમાં રહેતી 40 વર્ષીય સોનલબેનના લગ્નને આશરે 15 વર્ષ થયા હતા. પરિવારનો આક્ષેપ છે, કે પતિ સહિત સાસરિયાઓ સતત દહેજની માંગણી કરીને તેમને માનસિક ત્રાસ આપતા હતા. પતિ દ્વારા 'તું મને ગમતી નથી' અને 'તું પિયરમાંથી કંઈ લાવી નથી' જેવા મેણાં મારવામાં આવતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. કથિત ત્રાસથી કંટાળીને સોનલબેને કેનાલમાં જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદ તેમના પિતાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ધંધામાં નુકસાન બાદ પિયરમાંથી પૈસા લાવવાનું દબાણ
સૈજપુર બોઘા ખાતે રહેતા અંબારામ વાઘેલાની દીકરી સોનલબેનના લગ્ન આશરે 15 વર્ષ પહેલાં શાહીબાગમાં રહેતા પરેશ શામળભાઈ સોલંકી સાથે થયા હતા. દંપતીને 11 વર્ષનો પુત્ર ભૂમિલ છે. લગ્નજીવનના શરૂઆતના વર્ષો સામાન્ય રહ્યા હતા, પરંતુ આશરે 10 વર્ષ પહેલાં પરેશને ધંધા-વેપારમાં મોટું નુકસાન થતાં દેવું થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા સોનલબેન પર પિયરમાંથી પૈસા લાવવા માટે કથિત રીતે સતત દબાણ કરવામાં આવતું હતું. તેમને 'તું પિયરમાંથી કંઈ લાવેલ નથી, તું અમને ગમતી નથી અને કોઈ કામ-ધંધો પણ કરતી નથી' જેવા મેણાં મારવામાં આવતા હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત પતિ બીજી પત્ની લાવવાની ધમકી આપતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પિતાને ફોન કરી ત્રાસની વાત જણાવી
ગત 6 તારીખે સવારે સોનલબેને પોતાના પિતાને ફોન કર્યો હતો. તેઓ રાયપુર કેનાલ પાસે હોવાનું જણાવી સાસરિયાના કથિત અસહ્ય ત્રાસથી કંટાળી ગયાની વાત કરી હતી. ત્યારબાદ પરિવારજનો તાત્કાલિક કેનાલ તરફ દોડી ગયા હતા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ સોનલબેનનું ડૂબી જવાથી મોત થયું હતું. સ્થાનિકોની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પતિ સહિત 6 સાસરિયાઓ સામે ફરિયાદ
સોનલબેનના પિતાની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે પતિ પરેશ સોલંકી, સાસુ ખેમીબેન, જેઠ અરૂણભાઈ, જીતુભાઈ, જેઠાણી જયાબેન અને હર્ષિદાબેન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો, પરિવારજનોના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આરોપો અંગે પોલીસ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થશે.








