Ahmedabad Lawyers Strike: ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં અમદાવાદની વિવિધ કોર્ટોના વકીલોએ આજથી ત્રણ દિવસીય હડતાળનું એલાન કર્યું છે. 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વકીલો ન્યાયિક કામગીરીથી દૂર રહેશે. ગુજરાત વિધાનસભાએ 11 સપ્ટેમ્બરે ભાડા વિધેયક-2026 સર્વાનુમતે પસાર કર્યું હતું, જેમાં મકાન માલિક-ભાડૂઆતના વિવાદો માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલની નવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદની કઈ કોર્ટોના વકીલો જોડાશે?
હડતાળના ભાગરૂપે ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, સ્મોલ કૉઝ કોર્ટ, ફેમિલી કોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સહિતની વિવિધ કોર્ટોના વકીલો ન્યાયિક કામગીરીથી દૂર રહેશે. આ ઉપરાંત ઘી કાંટા સ્થિત મેટ્રો કોર્ટ તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે પણ વિરોધ કાર્યક્રમો અંગે વિચારણા ચાલી રહી હોવાનું જણાવાયું છે. હડતાળ દરમિયાન વકીલો અથવા પક્ષકારોની ગેરહાજરીના કારણે કોઈ એકતરફી કાર્યવાહી ન કરવામાં આવે તેમજ ગેરહાજર પક્ષકાર સામે વોરંટ કે નોટિસ જારી ન કરવામાં આવે તેવી અપીલ સંબંધિત કોર્ટોને કરવામાં આવી છે.
ભાડા વિધેયક સામે વકીલોનો વિરોધ કેમ?
વકીલોનો મુખ્ય વિરોધ ભાડા સંબંધિત વિવાદોના નિવારણ માટેની નવી વ્યવસ્થાને લઈને છે. તેમના જણાવ્યા મુજબ, ભાડા વિધેયક હેઠળ આવા મામલાઓ માટે નવી રેન્ટ ઓથોરિટી અને રેન્ટ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ ત્રણ સ્તરીય વ્યવસ્થાનો હેતુ ભાડા સંબંધિત વિવાદોનું ઝડપી અને વ્યવસ્થિત નિરાકરણ લાવવાનો છે. વકીલોનો આક્ષેપ છે કે અગાઉ સિવિલ કોર્ટમાં ચાલતી કેટલીક પ્રક્રિયાઓની જગ્યાએ વહીવટી તંત્ર સાથે જોડાયેલી સત્તાઓને મહત્વ આપવામાં આવવાથી સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત ન્યાયિક સત્તા અને વહીવટી સત્તા વચ્ચેની ભૂમિકા અંગે પણ વકીલો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
નવા ભાડા કાયદામાં શું જોગવાઈ છે?
ગુજરાત ભાડા વિધેયક-2026માં રહેણાંક અને વાણિજ્યિક મિલકતો માટે લેખિત ભાડા કરાર ફરજિયાત બનાવવામાં આવ્યો છે. સિક્યોરિટી ડિપોઝિટ મહત્તમ ત્રણ મહિનાના ભાડા જેટલી રાખવાની જોગવાઈ છે અને મિલકત ખાલી થયા બાદ યોગ્ય હિસાબ કર્યા પછી એક મહિનામાં ડિપોઝિટ પરત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાડા વિવાદોના ઝડપી ઉકેલ માટે રેન્ટ ઓથોરિટી → રેન્ટ કોર્ટ → રેન્ટ ટ્રિબ્યુનલ એમ ત્રણ સ્તરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મકાન માલિક દ્વારા પાણી, વીજળી કે ગેસ જેવી આવશ્યક સેવાઓ બંધ કરવાની પણ મનાઈ કરવામાં આવી છે.
વિરોધ આગળ વધુ ઉગ્ર બનશે?
અમદાવાદમાં ત્રણ દિવસીય હડતાળ બાદ વકીલો આ મુદ્દે આગામી રણનીતિ નક્કી કરશે. અમદાવાદ ક્રિમિનલ કોર્ટ્સ બાર એસોસિએશન તરફથી અંતિમ સત્તાવાર નિર્ણય અંગે વધુ સ્પષ્ટતા થવાની બાકી છે. બીજી તરફ, ભાડા વિધેયક પસાર થઈ ચૂક્યું હોવાથી હવે વકીલોનો વિરોધ કયા સ્વરૂપે આગળ વધે છે તેના પર નજર રહેશે.








