Ahmedabad Kankaria Boating Restarts: અમદાવાદના કાંકરિયા તળાવમાં અઢી વર્ષના લાંબા વિરામ બાદ આજથી ફરી બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. વડોદરાના હરણી બોટકાંડ બાદ બંધ કરાયેલી આ પ્રવૃત્તિ રાજ્ય સરકારની નવી બોટિંગ પોલિસી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ જરૂરી સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ થયા પછી શરૂ થઈ છે. દિવાળીના વેકેશનમાં સહેલાણીઓ હવે સ્પીડ બોટ, પોન્ટૂન બોટ, શિકારા, જિપ્સી અને પેડલ બોટ સહિતની વિવિધ વોટર એક્ટિવિટીનો આનંદ માણી શકશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે બોટિંગ શરૂ કરવા લીલી ઝંડી આપી છે. અહીં બોટિંગ માટે વ્યક્તિદીઠ ₹60થી ₹300 સુધીના ટિકિટ દર નક્કી કરવામાં આવ્યા છે.
અઢી વર્ષ પહેલાં હરણી બોટકાંડ બાદ બંધ થયું હતું બોટિંગ
જાન્યુઆરી 2024માં વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં સ્કૂલનાં બાળકો સહિત 14 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે બોટિંગની પ્રવૃત્તિઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે અમદાવાદના કાંકરિયા તળાવમાં પણ બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકારે બોટિંગ માટે નવી પોલિસી અને SOP તૈયાર કરી હતી. આ નિયમોનું પાલન કર્યા બાદ જ બોટિંગ શરૂ કરવાની શરત રાખવામાં આવી હતી. હવે જરૂરી સુરક્ષા વ્યવસ્થા, દસ્તાવેજો અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતાં કાંકરિયામાં ફરી બોટિંગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ મળી મંજૂરી
કાંકરિયામાં બોટિંગ શરૂ કરવા માટે 31 ઓક્ટોબરે સિટી વોટરસાઇડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોટિંગની સુરક્ષા વ્યવસ્થા, વિવિધ વિભાગોની પરવાનગીઓ, જરૂરી સર્ટિફિકેટ અને વીમા પોલિસી સહિતનાં દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. કમિટીએ તમામ દસ્તાવેજો અને તૈયારીઓની ચકાસણી કર્યા બાદ બોટિંગ શરૂ કરવા સર્વાનુમતે સંમતિ આપી હતી. આ ઉપરાંત NCC નેવી વિભાગના અધિકારીઓએ પણ સ્થળ તપાસ કરીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર એજન્સીને બોટિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
સુરક્ષા માટે 360 ડિગ્રી વ્યુવાળું ઇમરજન્સી સેન્ટર
હરણી બોટકાંડ જેવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે કાંકરિયામાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બોટિંગ દરમિયાન કોઈ ઇમરજન્સી સર્જાય તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે 360 ડિગ્રી વ્યુ ધરાવતું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાંથી CCTV કેમેરા દ્વારા બોટિંગ વિસ્તાર પર સતત નજર રાખવામાં આવશે. મોનિટરિંગ માટે ફાયર વિભાગનો સ્ટાફ પણ હાજર રહેશે.
બોટિંગ માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાઓ:
350થી વધુ લાઇફ જેકેટની વ્યવસ્થા
24 કલાક મેડિકલ સુવિધા અને એમ્બ્યુલન્સ સેવા
CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ
360 ડિગ્રી વ્યુવાળું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર
ફાયર વિભાગના સ્ટાફ દ્વારા મોનિટરિંગ
વોકી-ટોકી અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ
સુરક્ષાના નિયમો દર્શાવતાં માહિતી બોર્ડ
લાઇફ જેકેટ વગર બોટિંગ કરવાની મંજૂરી નહીં
અમદાવાદ મહાનગરપાલિકામાં સૌપ્રથમ બોટિંગ શરૂ
ઝૂના એડવાઇઝરે જણાવ્યું હતું કે રાજ્યમાં અગાઉ ઉકાઈ ડેમ ખાતે બોટિંગની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. હવે મહાનગરપાલિકાઓમાં અમદાવાદમાં સૌપ્રથમ કાંકરિયા ખાતે બોટિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે અને રાજ્ય સરકારની બોટિંગ પોલિસી તથા SOP મુજબ સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવશે.
કાંકરિયામાં બોટિંગના ટિકિટ દર કેટલા?
કાંકરિયા તળાવમાં ફરી શરૂ થયેલી બોટિંગ અને વોટર એક્ટિવિટી માટે અલગ-અલગ ટિકિટ દર નક્કી કરવામાં આવ્યા છે.
સ્પીડ બોટ: ₹160
પોન્ટૂન બોટ: ₹160
શિકારા: ₹150
જિપ્સી: ₹150
પેડલ બોટ: ₹60
ફ્લોટિંગ કેફે (બાળક): ₹260
ફ્લોટિંગ કેફે (વયસ્ક): ₹300
દિવાળીના વેકેશનમાં સહેલાણીઓને મળશે મનોરંજનની નવી સુવિધા
અઢી વર્ષ બાદ કાંકરિયામાં બોટિંગ ફરી શરૂ થતાં દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે ફરવા આવતા અમદાવાદીઓ અને અન્ય સહેલાણીઓને મનોરંજનની વધુ એક સુવિધા મળશે. વિવિધ પ્રકારની બોટિંગ એક્ટિવિટી સાથે સુરક્ષા માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. હવે કાંકરિયા તળાવની મુલાકાતે આવતા લોકો બોટિંગનો આનંદ માણી શકશે. જોકે, દરેક મુલાકાતીએ લાઇફ જેકેટ પહેરવા સહિતના સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.








