Ahmedabad Iskcon Bridge Accident: અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ ઉપર 15 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 03:30 વાગ્યે અકસ્માતની ઘટના બની હતી. ગાંધીનગરથી ઘરે પરત ફરી રહેલો 20 વર્ષીય હેત પરીખ ફૂલ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક કાર પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. કાર બેકાબૂ બનીને બ્રિજ પર મૂકવામાં આવેલા ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું, જો, કે સદનસીબે ચાલક સહિત અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી.
ગાંધીનગરથી અમદાવાદ આવતી વખતે કાર બેકાબૂ બની
મળતી માહિતી મુજબ, ઇસ્કોન બ્રિજ પર વાઇડ એન્ગલ સામે અકસ્માતનો મેસેજ મળતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં અકસ્માતગ્રસ્ત કાર મળી આવી હતી અને કારચાલક હેત પરીખ પણ ઘટનાસ્થળે હાજર હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ગાંધીનગરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ફૂલ સ્પીડમાં કાર ચલાવતી વખતે બેલેન્સ ગુમાવ્યું હતું અને કાર ડાયવર્ઝન માટે મૂકવામાં આવેલા લોખંડના પતરા સાથે અથડાઈ ગઈ હતી.
કારના આગળના અને પાછળના ભાગે ભારે નુકસાન
અકસ્મતમાં કારના આગળના બમ્પર, બોનેટ, પાછળની ડેકી તેમજ બંને સાઇડની બોડીના ભાગે મોટું નુકસાન થયું છે. જોકે અકસ્માત ગંભીર હોવા છતાં ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી. જાહેરમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ પોલીસે હેત પરીખ સામે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.
ઇસ્કોન બ્રિજ પર ડાયવર્ઝનના કારણે અકસ્માત
ઉલ્લેખનીય છે, કે ઇસ્કોન બ્રિજ ઊતરીને કર્ણાવતી ક્લબ તરફ જતા રોડને બીજા બ્રિજ સાથે જોડવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરીને કારણે વાઇડ એન્ગલ સામેનો ઇસ્કોન બ્રિજનો રેમ્પ બે દિવસ પહેલાં વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન વચ્ચે જ વહેલી સવારે કાર લોખંડના પતરા સાથે અથડાઈ હતી.








