Ahmedabad Rain Update: અમદાવાદમાં 12 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે 14 સપ્ટેમ્બરે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓથી લઈને નોકરી-ધંધે જતા લોકો સુધી સૌને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકમાં વટવા અને લાંભા વિસ્તારમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વટવામાં 5.61 ઈંચ અને લાંભામાં 5.53 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
8 કલાકમાં સૌથી વધુ વરસાદ:
વટવા: 5.61 ઈંચ
લાંભા: 5.53 ઈંચ
બોપલ: 5.24 ઈંચ
સરખેજ અર્બન હેલ્થ: 5.12 ઈંચ
મક્તમપુરા: 4.92 ઈંચ
જોધપુર ઝોનલ: 4.74 ઈંચ
બાકરોલ: 4.74 ઈંચ
દૂધેશ્વર: 4.63 ઈંચ
જોધપુર: 4.47 ઈંચ
શેલામાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ
અમદાવાદના શેલા વિસ્તારમાં ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહેલી એકલવ્ય સ્કૂલની બસ અચાનક બંધ પડી ગઈ હતી. બસમાં 20થી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાથી અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક બીજી બસ મોકલવામાં આવી હતી. પાણી વચ્ચે જ તમામ બાળકોને સુરક્ષિત રીતે બીજી બસમાં શિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

શાળાઓ ચાલુ રાખવી કે બંધ કરવી તે અંગે સ્થાનિક નિર્ણય
અમદાવાદમાં સતત ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ સૂચના આપી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની તમામ શાળાઓના સંચાલકોને સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને શૈક્ષણિક કામગીરી ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગે યોગ્ય નિર્ણય લેવા જણાવાયું છે. સાથે જ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને પ્રાથમિકતા આપવા તથા વાલીઓને સમયસર જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
6 કલાકમાં પણ તોફાની વરસાદ
સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં પણ અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો હતો.
વટવા: 4.37 ઈંચ
લાંભા: 4.21 ઈંચ
બોપલ: 3.44 ઈંચ
રામોલ: 3.37 ઈંચ
જોધપુર ઝોનલ: 3.37 ઈંચ
ઈન્દ્રપુરી: 3.31 ઈંચ
સરખેજ: 3.29 ઈંચ
જોધપુર: 3.21 ઈંચ
દૂધેશ્વર: 3.05 ઈંચ
મણિનગર: 3.01 ઈંચ
નારોલ-સરખેજ હાઇવે પર પાણી ભરાયા
નારોલથી સરખેજ હાઇવે પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે નેશનલ હાઇવેનો રોડ ઊંચો થઈ ગયો છે, જ્યારે આસપાસ આવેલી સોસાયટીઓના રસ્તા નીચા થઈ ગયા છે. પરિણામે વરસાદી પાણીનું વહેણ સોસાયટીઓ તરફ વળતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મક્તમપુરા વોર્ડના કોર્પોરેટર હાજી અસરાર બેગે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓને અનેક વખત કેચપીટ સાફ કરવા જણાવાયું હતું, છતાં સફાઈ કરવામાં આવી નથી. બીજી તરફ, કોન્ટ્રાક્ટરો દ્વારા પેમેન્ટ ન મળવાના કારણે સફાઈ કામગીરી અટકેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નેહરુનગર ST પિકઅપ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ
ભારે વરસાદને પગલે નેહરુનગર ST પિકઅપ સ્ટેન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાવાના કારણે ST બસોના સંચાલન પર પણ અસર પડી છે અને બસો મોડી પડતાં મુસાફરોને ગંતવ્યસ્થળે પહોંચવામાં હાલાકી ભોગવવી પડી રહી છે.
નેહરુનગરથી કેશવબાગ સુધી ટ્રાફિક જામ
નેહરુનગરથી કેશવબાગ સુધીના માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે. વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર સાવચેતીપૂર્વક પસાર થવાની ફરજ પડી રહી છે.
પૂર્વ અમદાવાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર
ભાઈપુરા-હાટકેશ્વર અને ખોખરા વોર્ડના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉદ્ગમ અર્ચના હાઈસ્કૂલના પરિસરમાં પણ પાણી ભરાઈ ગયું હતું. હાટકેશ્વરના 132 ફૂટ રિંગ રોડથી ગુરુજી બ્રિજ સુધીના માર્ગ પર અનેક સ્થળોએ પાણી ભરાયું છે. ખારીકટ કેનાલ નજીકની નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો છે.
મીઠાખળી અંડરપાસ બંધ
એસ.જી. હાઈવે પર ઈસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ તરફ વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે. નવા રેમ્પના કારણે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થયો નથી, પરંતુ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મીઠાખળી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ, વાસણા બેરેજના ગેટ નંબર 25, 26 અને 27 ખોલવામાં આવ્યા છે.
મોહમ્મદપુરા અંડરબ્રિજ પણ બંધ
સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા મોહમ્મદપુરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં સિઝનનો સરેરાશ વરસાદ 27.46 ઈંચ
અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સિઝનનો કુલ સરેરાશ વરસાદ 27.46 ઈંચ નોંધાયો છે, જે છેલ્લા પાંચ વર્ષની સિઝન સરેરાશના 76.28 ટકા જેટલો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 1.74 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 0.06 ઈંચ વરસાદ થયો હતો. આ દરમિયાન પૂર્વ ઝોનમાં 0.18 ઈંચ, દક્ષિણ ઝોનમાં 0.12 ઈંચ અને ઉત્તર ઝોનમાં 0.11 ઈંચ વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજની પાણીની સપાટી 129 ફૂટ પર છે. નદીમાં 358 ક્યુસેક પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે અને બેરેજનો એક ગેટ 0.5 ફૂટ ખુલ્લો રાખવામાં આવ્યો છે.








