Ahmedabad Crime News: અમદાવાદમાં હત્યાની વધુ એક ઘટનાએ ચકચાર મચાવી છે. જશોદાનગરના ત્રિકમપુરા નજીક આવેલા ચાર માળિયામાં ચાર સગા ભાઈઓએ અજીતસિંહ મોહનસિંહ ચૌહાણ સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અજીતસિંહનું મોત નીપજ્યું હતું. અન્ય બે વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. ઘટનાને પગલે વટવા GIDC પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ચાર ભાઈઓએ મળીને કર્યો હુમલો
મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે આશરે 9:30 વાગ્યે ચાર માળિયા વિસ્તારમાં અજીતસિંહ ચૌહાણ અને અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ચાર સગા ભાઈઓએ જૂની અદાવતને લઈને આ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હુમલામાં અજીતસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
મામાના દીકરાને મળવા ગયા હતા, ત્યાં હુમલો થયો
પોલીસ તપાસ મુજબ મૃતક અજીતસિંહ પોતાના મામાના દીકરા હેમંતને મળવા માટે મિત્ર અર્જુન સાથે ગયો હતો. આ દરમિયાન હરેશ ઉર્ફે હિતેશ સોલંકી, ધર્મેશ સોલંકી, રવિ સોલંકી અને અક્ષય સોલંકીએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પાઈપ અને તલવાર જેવા હથિયારો વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં અજીતસિંહનું મોત થયું જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
થોડા મહિના પહેલાં જ હાથીજણ રહેવા ગયા હતા
મૃતક અજીતસિંહ અગાઉ ચાર માળિયા વિસ્તારમાં રહેતા હતા. થોડા મહિના પહેલાં જ તેઓ ત્યાંથી હાથીજણ ખાતે રહેવા ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ અગાઉ અજીતસિંહની પત્ની સાથે પણ મારામારી કરી હતી. જેના કારણે બંને પક્ષો વચ્ચે અગાઉથી અદાવત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બે આરોપીઓ સામે અગાઉ પણ હત્યાનો કેસ
પોલીસ તપાસમાં આરોપી હરેશ અને અક્ષય સોલંકી સામે અગાઉ પણ હત્યાનો કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2015માં મિતેષ નામના વ્યક્તિની હત્યાના કેસમાં બંનેની સંડોવણી હોવાની માહિતી મળી છે. હાલ ચારેય આરોપીઓ સગા ભાઈ હોવાનું સામે આવ્યું છે અને પોલીસે તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે તપાસ તેજ કરી
ઘટનાને પગલે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની અને તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ, અગાઉની અદાવત અને આરોપીઓની ભૂમિકા અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.








