Gurukul road drama: અમદાવાદના ગુરુકુળ રોડ પર થાર ગાડીની માલિકીને લઈને મામા અને ભાણેજ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. વિવાદ દરમિયાન ઉશ્કેરાયેલો ભાણેજ થાર ગાડી પર ચડી ગયો હતો અને બૂમાબૂમ કરવા લાગ્યો હતો. આ દૃશ્ય જોવા માટે આસપાસ લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી. મામાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થારની માલિકી મુદ્દે મામા-ભાણેજ વચ્ચે વિવાદ
પ્રાપ્ત વિગતો અનુસાર, ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા જીગર પુરોહિતે પોતાના ભાણેજ ચંદ્રપ્રકાશ પુરોહિતના નામે થાર ગાડી ખરીદી હતી. જોકે, ગાડીના હપ્તા જીગર પુરોહિત પોતે ભરતા હોવાનું સામે આવ્યું છે. આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે રાત્રે જીગર પુરોહિત ગુરુકુળ ત્રણ રસ્તા નજીક વડાપાંવ ખાઈ રહ્યા હતા. તે દરમિયાન ભાણેજ ચંદ્રપ્રકાશ પોતાના બે મિત્રો સાથે ત્યાં પહોંચ્યો હતો. ત્યારબાદ થાર ગાડીની માલિકી મુદ્દે મામા સાથે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં વિવાદ ઉગ્ર બનતાં બંને વચ્ચે મારામારી થઈ હતી.
થાર પર ચડીને ભાણેજે કર્યો હોબાળો
મારામારી બાદ ઉશ્કેરાયેલા ચંદ્રપ્રકાશે પોતાના શર્ટનાં બટન ખોલી થાર ગાડી પર ચડીને બૂમાબૂમ શરૂ કરી હતી. જાહેર રસ્તા પર સર્જાયેલા આ દૃશ્યને પગલે આસપાસના લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.
વસ્ત્રાપુર પોલીસે ત્રણની ધરપકડ કરી
ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલો સંભાળ્યો હતો. આ બનાવમાં જીગર પુરોહિતની ફરિયાદના આધારે પોલીસે ભાણેજ ચંદ્રપ્રકાશ પુરોહિત ઉપરાંત નારાયણસિંહ પુરોહિત અને મિલન શાહની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે








