Ahmedabad Gas Cylinder Blast: શહેરના નારણપુરા વિસ્તારમાં આજે (31 માર્ચ) વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચામુંડાનગરની એક ચાલીના મકાનમાં રાત્રે ગેસ લીકેજ થયા બાદ વહેલી સવારે જોરદાર સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઘરમાં સૂઈ રહેલા પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે મકાનના પોપડા ઉખડી ગયા હતા અને આસપાસના રહીશોમાં ભૂકંપ આવ્યો હોય તેવો ફફડાટ ફેલાયો હતો.
વહેલી સવારે 5:30 વાગ્યે સર્જાયો મોતનો તાંડવ
અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમને વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે નારણપુરાના ચામુંડાનગરમાં ગેસ લીકેજ થયો છે. જોકે, ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ મકાનમાં ભરાયેલા ગેસે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને સિલિન્ડર જોરદાર ધડાકા સાથે ફાટ્યો હતો. બ્લાસ્ટ બાદ મકાનના ગાદલા અને ઘરવખરીમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચી તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં મકાનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.
ઈજાગ્રસ્તોની હાલત અને બચાવ કામગીરી
બ્લાસ્ટ સમયે મકાનમાં પાંચ લોકો નિંદ્રાધીન હતા. સિલિન્ડર ફાટતાની સાથે જ આ તમામ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોમાં 35 વર્ષીય રાજુભાઈ, 45 વર્ષીય હીરાભાઈ, 46 વર્ષીય મણિલાલ અને 50 વર્ષીય સોહનભાઈનો સમાવેશ થાય છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ધડાકા બાદ ઈજાગ્રસ્તો દાઝેલી હાલતમાં બૂમો પાડતા ઘરની બહાર દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ માનવતા દાખવી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ તમામ પાંચ ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ પહોંચાડી દીધા હતા.
આસપાસના મકાનોમાં પણ નુકસાન
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સિલિન્ડર બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટના પ્રેશરને કારણે જે મકાનમાં ઘટના બની તેના ધાબાના પોપડા ઉખડી ગયા હતા. એટલું જ નહીં, પાડોશમાં આવેલા અન્ય બે મકાનોની બારીઓ અને બારણાના કાચ પણ તૂટીને ફંગોળાયા હતા. વહેલી સવારનો સમય હોવાથી લોકો ડરના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા.
ગેસ લીકેજ બન્યું કારણ
ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રીએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "પ્રાથમિક તપાસ મુજબ મકાનમાં લાંબા સમયથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો, જેના કારણે આખા રૂમમાં ગેસ ભરાઈ ગયો હતો. વહેલી સવારે કોઈએ લાઈટની સ્વીચ પાડી હોય કે અન્ય કોઈ કારણસર આગનો તણખો મળતા જ ગેસ બ્લાસ્ટ થયો હતો. મકાન ઘણું નાનું હોવાથી ગેસનું દબાણ વધી ગયું હતું." હાલમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને મકાન માલિક તેમજ ભાડૂતો અંગેની વિગતો મેળવી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના સુરક્ષિત ઉપયોગ અને લીકેજ પ્રત્યે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.








