Ahmedabad Ganesh Visarjan: અમદાવાદમાં આજે (25 સપ્ટેમ્બર) ગણેશ વિસર્જનના કારણે શહેરના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરદાર બ્રિજ, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ ઈસ્ટ-વેસ્ટ સહિતના કેટલાક રસ્તાઓ બપોરે 1 વાગ્યા બાદ સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. આશ્રમ રોડ સહિતના અન્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
એરપોર્ટ-રેલવે સ્ટેશન જતા હોવ તો વહેલા નીકળજો
ગણેશ વિસર્જનને પગલે શહેરના મહત્વના રસ્તાઓ બંધ રહેવાના હોવાથી એરપોર્ટ અને રેલવે સ્ટેશન તરફ જતા મુસાફરોને એકથી બે કલાક વહેલા ઘરેથી નીકળવાની સલાહ આપવામાં આવી છે. મુખ્ય માર્ગો બંધ થવાથી આશ્રમ રોડ અને અન્ય વૈકલ્પિક માર્ગો પર ભારે ટ્રાફિક થઈ શકે છે. તેથી વાહનચાલકોને શક્ય હોય ત્યાં સુધી જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
ગીતામંદિરથી પાલડી તરફ જવાનો રસ્તો બંધ
એસટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ થઈ સરદાર બ્રિજ મારફતે પાલડી તરફ જવાનો રસ્તો બપોરે 1 વાગ્યા બાદ બંધ રહેશે. તેના વૈકલ્પિક રૂટ તરીકે એસટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ નીચેથી બહેરામપુરા, દાણીલીમડા ચાર રસ્તા, આંબેડકર બ્રિજ, અંજલી ચાર રસ્તા અને પાલડી ચાર રસ્તા થઈ આશ્રમ રોડ તરફ જઈ શકાશે.
ગીતામંદિરથી રેલવે સ્ટેશન તરફનો માર્ગ પણ બંધ
એસટી ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તા, સારંગપુર સર્કલ થઈ રેલવે સ્ટેશનના ઈનગેટ તરફ જવાનો રસ્તો પણ બંધ રહેશે. નરોડા તરફ જવા માટે એસટી સ્ટેશનથી ભુલાભાઈ ચાર રસ્તા, કાંકરિયા ચોકી, અપ્સરા સિનેમા ચાર રસ્તા, અનુપમ સિનેમા, ગોમતીપુર રેલવે કોલોની, કાલિદાસ ચાર રસ્તા, સરસપુર આંબેડકર હોલ અને કાલુપુર બ્રિજ થઈ નરોડા તરફ જઈ શકાશે.
કાલુપુરથી એલિસબ્રિજ તરફનો રૂટ બંધ
કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર સર્કલ, કાગડાપીઠ, રાયપુર ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, ખમાસા ચાર રસ્તા, વિક્ટોરિયા ગાર્ડન થઈ એલિસબ્રિજ ટાઉન હોલ સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર સર્કલ, આંબેડકર હોલ, ગોમતીપુર રેલવે કોલોની, અનુપમ સિનેમા, અપ્સરા સિનેમા, દાણીલીમડા, આંબેડકર બ્રિજ, અંજલી ચાર રસ્તા, પાલડી અને આશ્રમ રોડ તરફ જઈ શકાશે.
રખિયાલથી ગુરુદ્વારા ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ
રખિયાલ ચાર રસ્તાથી કાલિદાસ ચાર રસ્તા, ચારતોળા કબરસ્તાન, ડબ્બા બજાર, સરસપુર ITI થઈ ગુરુદ્વારા ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. તેના બદલે રખિયાલ ચાર રસ્તાથી ગરીબ નગર ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા અને નરોડા ફ્રૂટ માર્કેટ થઈ કાલુપુર તરફ જઈ શકાશે.
દિલ્હી દરવાજાથી દધીચી બ્રિજ તરફ પણ વાહનવ્યવહાર બંધ
દિલ્હી દરવાજા નમસ્તે સર્કલથી ટ્રાફિક ભવન (જૂની પોલીસ કમિશનર કચેરી), કેન્દ્રીય વિદ્યાલયના કટ થઈ દધીચી બ્રિજ સુધીનો માર્ગ બંધ રહેશે. આ ઉપરાંત દિલ્હી દરવાજાથી લીમડા ચોક અને લીથો પ્રેસ થઈ દધીચી બ્રિજ સુધીનો માર્ગ પણ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે. તેના વૈકલ્પિક રૂટ તરીકે દિલ્હી દરવાજાથી ઈદગાહ સર્કલ થઈ અસારવા અને શાહીબાગ તરફ જઈ શકાશે. જ્યારે દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તા, શંકરભુવન, ગાંધી બ્રિજ અને ઈન્કમટેક્સ તરફથી અવરજવર કરી શકાશે.
રિવરફ્રન્ટના ઈસ્ટ-વેસ્ટ રોડ પણ બંધ
ગણેશ વિસર્જન દરમિયાન રિવરફ્રન્ટ ઈસ્ટ અને રિવરફ્રન્ટ વેસ્ટ તરફના માર્ગો પર પણ તમામ પ્રકારના વાહનવ્યવહારને બંધ રાખવામાં આવશે. તેથી આજે બપોરે 1 વાગ્યા બાદ રિવરફ્રન્ટ આસપાસના વિસ્તારોમાં જવાનું હોય તો વાહનચાલકોએ પોલીસ દ્વારા સૂચવાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો અને વધારાના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવું પડશે.








