Ahmedabad Flower Show 2026: અમદાવાદ શહેરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ કુદરતના રંગોનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફૂલ મહોત્સવનું ઉદ્ઘાટન થયું હતું. આ શો 25 જાન્યુઆરી સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે.
ક્યાં યોજાયો છે ફ્લાવર શો?
આ વર્ષે ફ્લાવર શો સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે, સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજ વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડન વિસ્તારમાં યોજાયો છે. લગભગ 73 હજાર ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો આ શો દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવો છે.
'ભારત એક ગાથા' થીમ પર આધારિત અનોખું આયોજન
ફ્લાવર શોની આ વર્ષની મુખ્ય વિશેષતા તેની થીમ છે. 'ભારત એક ગાથા' નામની આ થીમ દ્વારા ભારતની સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ અને આધુનિક સિદ્ધિઓને ફૂલોની કળા મારફતે રજૂ કરવામાં આવી છે. સમગ્ર પ્રદર્શનમાં અંદાજે 48 વિવિધ પ્રકારના 10 લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ થયો છે, જે ખાસ કરીને ભારતીય હવામાનને અનુરૂપ પસંદ કરાયા છે. સાથે સાથે 167થી વધુ કલાત્મક સ્કલ્પચર્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
6 ઝોનમાં વહેંચાયેલો ફ્લાવર શો
આ ફ્લાવર શોને કુલ છ અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ ઝોનમાં ભારતના પરંપરાગત તહેવારોનું દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું છે, જેમાં યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત દિવાળીની ઝલક વિશેષ આકર્ષણ છે. બીજા ઝોનમાં વિવિધ ભારતીય નૃત્ય પ્રકારો દર્શાવવામાં આવ્યા છે, જ્યારે ત્રીજો ઝોન પૌરાણિક ભારતની થીમ પર આધારિત છે.
દુનિયાનું સૌથી મોટું મંડાલા આર્ટ
ચોથો ઝોન ખાસ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રયાસો માટે સમર્પિત છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ફૂલોથી બનાવાયેલું વિશાળ પોર્ટ્રેટ અને દુનિયાનું સૌથી મોટું મંડાલા આર્ટ પ્રદર્શિત કરવામાં આવશે. પાંચમા ઝોનમાં ભારતે અવકાશ, વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં હાંસલ કરેલી સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે, જ્યારે છઠ્ઠો ઝોન બાળકોના મનોરંજન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.
ટિકિટના દર અને સુવિધાઓ
મુલાકાતીઓની સુવિધા માટે AMC દ્વારા આધુનિક ટિકિટિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 80 રૂપિયા છે, જ્યારે શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં 100 રૂપિયા લેવામાં આવશે. 12 વર્ષથી ઓછા બાળકો, AMC સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. અન્ય શાળાના બાળકો માટે સવારના સમયગાળા દરમિયાન માત્ર 10 રૂપિયાની ફી છે. શાંતિપૂર્વક શો નિહાળવા ઈચ્છતા લોકો માટે 500 રૂપિયાની 'પ્રાઇમ સ્લોટ' ટિકિટ પણ ઉપલબ્ધ છે.
ખર્ચ અને શહેરને મળતા લાભ
આ સમગ્ર આયોજન પાછળ અંદાજે 14થી 15 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. જોકે સ્પોન્સરશિપ અને સ્ટોલ્સના માધ્યમથી કોર્પોરેશનને નોંધપાત્ર આવક પણ થવાની સંભાવના છે. સાથે જ આ ફ્લાવર શો દ્વારા હજારો લોકોને સીધી અને પરોક્ષ રોજગારી મળશે અને અમદાવાદના પ્રવાસન તથા અર્થતંત્રને પણ નવી ઊંચાઈ મળશે.








