Ahmedabad Fire Department Live GPS Tracking: અમદાવાદમાં આગ કે અન્ય ઇમરજન્સી સમયે ફાયર વિભાગનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા માટે નવી ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર વિભાગની આશરે 100 ઇમરજન્સી ગાડીઓને GPS ટ્રેકર, ડિજિટલ ટેબલેટ અને કેમેરા સિસ્ટમથી સજ્જ કરીને નેશનલ ઇમરજન્સી હેલ્પલાઈન 112 સાથે જોડવામાં આવી છે. આગામી એક-બે દિવસમાં ફાયર વિભાગ અને 112ના અધિકારીઓ દ્વારા આ સિસ્ટમનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવશે.
હવે નજીકનું ફાયર ટેન્ડર સીધું ઘટનાસ્થળે પહોંચશે
અગાઉ 101 અથવા 112 પર આવેલા કોલને ફાયર કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કર્યા બાદ વાહન રવાના કરવામાં આવતું હોવાથી સમય લાગતો હતો. નવી વ્યવસ્થામાં 112 કંટ્રોલ રૂમની સ્ક્રીન પર ઘટનાસ્થળની આસપાસના તમામ ફાયર વાહનોનું લાઈવ GPS લોકેશન દેખાશે. કોલ મળતાં જ સૌથી નજીકના ફાયર વાહનના ડ્રાઈવરના ટેબલેટ પર ઘટનાસ્થળનું લોકેશન, નેવિગેશન અને ટૂંકામાં ટૂંકો રૂટ મોકલવામાં આવશે. આથી ફાયર સ્ટેશન પરથી વાહન નીકળવાની રાહ જોવાને બદલે રસ્તા પર ગસ્ત કરી રહેલું અથવા ઘટનાસ્થળની નજીક રહેલું ફાયર ટેન્ડર પણ સીધું જ સ્થળ પર મોકલી શકાશે. નવી સિસ્ટમ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યા બાદ જૂનો 101 નંબર પણ સંપૂર્ણપણે 112 પર ડાયવર્ટ કરવાની યોજના છે.
360 ડિગ્રી કેમેરાથી પાલડી કંટ્રોલ રૂમમાં લાઈવ દેખાશે આગ
ફાયર વિભાગની ગાડીઓમાં આગળ 360 ડિગ્રી કેમેરા અને પાછળ કેમેરા લગાવવામાં આવ્યા છે. વાહન ઘટનાસ્થળે પહોંચ્યા બાદ કેમેરામાંથી લાઈવ ફીડ પાલડી સ્થિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સુધી પહોંચશે. આના આધારે કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ આગની તીવ્રતા, આગનો પ્રકાર અને બચાવ કામગીરી માટે જરૂરી સાધનો અંગે સ્થળની વાસ્તવિક સ્થિતિ જોઈ શકશે.
સ્થિતિ ગંભીર હોય તો વધારાનો કાફલો પણ ઝડપથી મોકલાશે
લાઈવ વિઝ્યુઅલ્સ પરથી પરિસ્થિતિ ગંભીર જણાય તો કંટ્રોલ રૂમમાંથી જ વધારાના વોટર ટેન્ડર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ અથવા એમ્બ્યુલન્સ જેવા વાહનો મોકલવાનું ઝડપી આયોજન કરી શકાશે. આથી આગની ઘટનામાં શરૂઆતના મહત્વના સમયગાળા દરમિયાન નિર્ણય લેવામાં પણ મદદ મળશે.
112 પર કોલથી ઘટનાસ્થળ સુધી આખી પ્રક્રિયા કેવી રીતે ચાલશે?
નાગરિક 112 પર કોલ કરશે ત્યારે કંટ્રોલ રૂમમાં ઘટનાનું લોકેશન અને તેની આસપાસના ફાયર વાહનોનું GPS લોકેશન દેખાશે. સૌથી નજીકના વાહનના ડ્રાઈવરના ટેબલેટ પર તરત જ એલર્ટ સાથે ઘટનાસ્થળની વિગતો મોકલવામાં આવશે. ટેબલેટમાં લોકેશન સાથે GPS નેવિગેશન અને સૌથી ટૂંકો રૂટ પણ દેખાશે. વાહન ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગળ અને પાછળના કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ થશે. પાલડી કંટ્રોલ રૂમમાં અધિકારીઓ આ ફીડના આધારે સ્થિતિનું મોનિટરિંગ કરી શકશે અને જરૂર પડે તો વધારાના સંસાધનો મોકલવાનો નિર્ણય લઈ શકશે.
શહેરને શું ફાયદો થશે?
નવી સિસ્ટમથી 112થી ફાયર કંટ્રોલ રૂમ અને ત્યારબાદ ફાયર સ્ટેશન સુધી કોલ ટ્રાન્સફર થવામાં લાગતો સમય ઘટશે. સૌથી નજીકનું ફાયર વાહન સીધું જ ઘટનાસ્થળે મોકલી શકાશે. સાથે જ લાઈવ કેમેરા અને GPSના કારણે વાહનની મુવમેન્ટ, ઘટનાસ્થળે પહોંચવાનો સમય અને કામગીરીનું રિયલ-ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે. આમ, અમદાવાદમાં ઇમરજન્સી સમયે ઝડપી રિસ્પોન્સ અને વધુ અસરકારક સંકલન માટે નવી ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા અમલમાં આવશે.








