Ahmedabad Female PI Dowry Harassment Case: દહેજનું દૂષણ હજુ પણ સમાજમાં ગંભીર સમસ્યા બની રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 8 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતી 31 વર્ષીય મહિલા PIએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ગંભીર આરોપો સાથે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષ 2023માં લગ્ન થયા બાદ બીજા જ દિવસથી જ સાસુ, સસરા, નણંદ અને પતિ દ્વારા દહેજ મામલે ત્રાસ આપવાનું શરૂ થયું હતું.
પતિ અકુદરતી સંબંધ માટે દબાણ કરતો હોવાનો આરોપ
મહિલા PIની ફરિયાદ મુજબ, તેમનો પતિ દરરોજ દારૂનું સેવન કરતો હતો અને સામાન્ય શારીરિક સંબંધ બાંધવામાં સક્ષમ ન હોવાથી તેમના પર અકુદરતી સંબંધ માટે દબાણ કરતો હતો. આ માટે પત્ની તૈયાર ન થાય અથવા તે નિષ્ફળ જાય ત્યારે પતિ મારઝૂડ કરીને ક્રૂર વર્તન કરતો હોવાનો પણ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે.
સાસુ પર તિજોરીનો સામાન વેરવિખેર કરવાનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઘરની સંપૂર્ણ આર્થિક જવાબદારી મહિલા PI પોતે જ નિભાવતા હતા. નોકરીના કારણે તેમણે રસોઈ માટે એક મહિલાને કામે રાખી હતી, પરંતુ સાસુએ તેની સાથે ઝઘડો કરીને તેને કામ પરથી કાઢી મૂકી હતી. એટલું જ નહીં, મહિલા PIની ગેરહાજરીમાં સાસુ તિજોરીનો સામાન પણ વેરવિખેર કરી નાખતા હોવાનો આરોપ છે.
નણંદે બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનો આક્ષેપ
મહિલા PIની નણંદ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપ છે કે નણંદે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને PIની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી. બીજી તરફ, વીમા પોલિસીમાં પિતાનું નામ દાખલ કરાવવા મુદ્દે પણ પતિ સાથે વારંવાર ઝઘડો થતો હતો. પતિ મહિલા PI પર નોકરી છોડી દેવા માટે સતત માનસિક દબાણ કરતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
₹6-7 લાખ લાવવાની માંગ કરી છૂટાછેડાની ધમકી
ફરિયાદ મુજબ, પતિએ એક સમયે ₹6થી 7 લાખ રૂપિયા પિયરમાંથી લાવવા માટે દબાણ કર્યું હતું અને રૂપિયા નહીં લાવે તો છૂટાછેડા આપવાની ધમકી આપી હતી. આશરે દોઢ વર્ષ પહેલાં પતિ રાજસ્થાન જવા નીકળ્યો હતો અને ત્યાંથી એક મિત્રના લગ્નમાં હાજરી આપવા ઉત્તર પ્રદેશ જવાનું કહીને ગયો હતો. ત્યાર બાદ તે ઘરે પરત ફર્યો ન હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
પતિના વર્તનથી મકાન પણ ખાલી કરવું પડ્યું
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પતિએ દૂર રહીને પણ મકાન માલિકને ઉશ્કેર્યા હતા. તેના પરિણામે મહિલા PIને ભાડાનું મકાન પણ ખાલી કરવાની ફરજ પડી હતી. પતિ અને સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને આખરે મહિલા પોલીસ અધિકારીએ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.








