Ahmedabad Crime News: અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં વાહન સાઇડમાં લેવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ હિંસક હુમલાની ઘટના સામે આવી છે. પાનકોર નાકા નજીક થયેલી બોલાચાલીની અદાવત રાખીને 5થી 7 શખસોના ટોળાએ ઢાલગરવાડમાં આવેલી દુકાનમાં ઘૂસી તોડફોડ કરી હતી. આ દરમિયાન સગીર સહિત પરિવારના સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કાકા-ભત્રીજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પાનકોર નાકા પર વાહન સાઇડમાં લેવા બાબતે બોલાચાલી
પોલીસ ફરિયાદ મુજબ, 17 વર્ષીય અમાન મોપેડ લઈને પાનકોર નાકા પાસેથી પસાર થઈ રહ્યો હતો. ટ્રાફિક હોવાથી અન્ય એક મોપેડચાલકે તેને વાહન સાઇડમાં લેવા કહ્યું હતું. અમાને જગ્યા ન હોવાનું કહેતાં સામેના શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે મારપીટ કરી હતી. જોકે, આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ અમાને ઘરે જઈને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
અદાવત રાખીને ટોળું દુકાનમાં ઘૂસી ગયું
ફરિયાદ મુજબ, ગુરૂવારે 24 સપ્ટેમ્બરની સાંજે પાનકોર નાકાની ઘટનાની અદાવત રાખીને 5થી 7 શખસો મોહમંદ અમીન એહમદહુસૈનની ઢાલગરવાડ સ્થિત દુકાનમાં ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ અમાન સાથે ફરી ઝઘડો કરી મારપીટ શરૂ કરી હતી. દરમિયાન વચ્ચે પડેલા ફરિયાદી મોહમંદ અમીન, તેમના પુત્ર આકીલ અને મિત્ર ઝહીર મન્સુરી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત દુકાનમાં તોડફોડ કરી ઝહીર મન્સુરીનો મોબાઈલ પણ તોડી નાખવામાં આવ્યો હતો.
CCTVમાં હુમલાની ઘટના કેદ
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં ટોળું દુકાનમાં ઘૂસી સગીરને ઢસડીને મારતું જોવા મળે છે. આસપાસના વેપારીઓ વચ્ચે પડીને બચાવવાનો પ્રયાસ કરતા હોવા છતાં હુમલો ચાલુ રાખવામાં આવ્યો હતો. હુમલામાં મોહમંદ અમીન અને અમાનને માથા તથા મોઢાના ભાગે ઈજાઓ થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાંચ આરોપીઓ સામે નામજોગ ફરિયાદ
ફરિયાદી મોહમંદ અમીનના જણાવ્યા મુજબ, હુમલામાં સામેલ મુખ્ય પાંચ શખસોની ઓળખ ઇરફાન વલીભાઇ ઘાંચી, રીયાજ વારીશ નુર એહમદ શેખ, નુર મોહમદ અબ્દુલ રશીદ શેખ, ઇરફાન યાસીનભાઇ શેખ અને ઇકબાલ યાસીન શેખ તરીકે થઈ છે. કારંજ પોલીસે પાંચેય નામજોગ આરોપીઓ ઉપરાંત અન્ય 7 અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








