Ahmedabad Crime News: અમદાવાદમાં લગ્નજીવનમાં દહેજની માગણી અને જાતિ આધારિત અપમાનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 38 વર્ષીય પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે દીકરીના જન્મ બાદ પતિએ દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે પિયરમાંથી પૈસા અને દાગીના લાવવા દબાણ કરતો અને માગણી પૂરી ન થતાં મારઝૂડ કરતો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, પતિ તેને ‘તું નીચ જાતની છે, અમારા સમાજ-ખાનદાનમાં શોભે નહીં’ કહી અપમાનિત કરતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ મહિલા મંડળમાં સમાધાન થયા છતાં પતિના વર્તનમાં સુધારો ન આવતાં પરિણીતા છેલ્લા 11 મહિનાથી પોતાની બે વર્ષની દીકરી સાથે પિયરમાં રહે છે. આખરે તેણે અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લગ્ન બાદ શરૂઆતમાં સામાન્ય હતું જીવન
મળતી માહિતી મુજબ, સરદારનગર વિસ્તારમાં માતા અને ત્રણ ભાઈઓ સાથે રહેતી 38 વર્ષીય પરિણીતાના લગ્ન 1 મે, 2022ના રોજ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રણેલા ગામના યુવક સાથે હિન્દુ રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન સમયે પરિણીતાની માતાએ પોતાની યથાશક્તિ પ્રમાણે કપડાં-લત્તાં અને સ્ત્રીધન આપ્યું હતું. શરૂઆતમાં બંનેનું લગ્નજીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. જોકે, દીકરીના જન્મ બાદ પતિનું વર્તન બદલાઈ ગયું હતું. તે નાની-નાની બાબતોમાં ઝઘડા કરતો, ગાળો બોલતો અને ગડદાપાટુનો માર મારતો હોવાનો પરિણીતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
મહિલા મંડળમાં સમાધાન છતાં ફરી શરૂ થયો ત્રાસ
પતિના વારંવારના ઝઘડા અને મારઝૂડથી કંટાળીને પરિણીતાએ બે વર્ષ પહેલાં મહેસાણા અને મહિલા મંડળમાં અરજી કરી હતી. તે સમયે પતિએ હવે પછી સારી રીતે રાખવાની ખાતરી આપતાં સમાધાન થયું હતું. ત્યારબાદ પરિણીતા ફરી સાસરે રહેવા ગઈ હતી. જોકે, આ સમાધાન લાંબું ટક્યું નહીં. પતિએ શરૂઆતના ત્રણેક મહિના સારી રીતે રાખ્યા બાદ ફરી ઝઘડા અને મારઝૂડ શરૂ કર્યાનો આક્ષેપ છે. આ દરમિયાન તે પરિણીતાને પિયરમાંથી પૈસા અને દાગીના લઈ આવવા દબાણ કરતો હતો.
જાતિના નામે અપમાનિત કરી મારઝૂડનો આક્ષેપ
પરિણીતાની ફરિયાદ મુજબ, પતિ તેને વારંવાર કહેતો હતો કે, ‘તારા પિયરમાંથી કંઈ લાવેલ નથી, તારી માતા અને ભાઈઓ પાસેથી પૈસા તથા દરદાગીના લઈ આવ.’ આ રીતે તે પૈસા અને દાગીનાની માગણી કરીને મહેણાં-ટોણાં મારતો હતો. આ ઉપરાંત પતિ જાતિનો ઉલ્લેખ કરીને અપમાનજનક શબ્દો બોલતો અને ‘તું નીચ જાતની છે, અમારા સમાજ-ખાનદાનમાં શોભે નહીં’ કહી ઉતારી પાડતો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
11 મહિનાથી દીકરી સાથે પિયરમાં રહે છે પરિણીતા
વારંવારના ઝઘડા, દહેજની માગણી અને મારઝૂડથી કંટાળીને પરિણીતા આશરે 11 મહિના પહેલાં પોતાની બે વર્ષની દીકરીને લઈને અમદાવાદમાં માતા અને ભાઈઓના ઘરે રહેવા આવી ગઈ હતી. આખરે 12 નવેમ્બર, 2026ના રોજ તેણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દહેજ પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








