Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારો માટે બે મોટા જનહિતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે 22 જાન્યુઆરી, 2026ના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરની 26,949 જેટલી ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટના પોલ નાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય ક્ષેત્રે મહત્વનું પગલું ભરતા અર્બન હેલ્થ સેન્ટર (UHC) ખાતે મોંઢાના કેન્સરની તપાસ માટે આધુનિક મશીનો ફાળવવાનો પણ નિર્ણય લેવાયો છે.
ત્રણ મહિનામાં 27 હજાર ચાલીઓ ઝળહળશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આવેલી અસંખ્ય ચાલીઓમાં અત્યાર સુધી પાણી, ગટર અને આરસીસી રોડ જેવી સુવિધાઓ તો હતી, પરંતુ પૂરતી લાઈટના અભાવે નાગરિકોને રાત્રિના સમયે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે જનરલ બજેટમાંથી આશરે ₹2.5 થી ૩ કરોડના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે.
3 થી 4 લાખ લોકોને સીધો ફાયદો
આ નિર્ણયથી અમદાવાદના અંદાજે 3 થી 4 લાખ લોકોને સીધો ફાયદો થશે. જે ચાલી કે ઝૂંપડાઓના પ્રોપર્ટી ટેક્સ બિલમાં 'ચાલી' તરીકે ઉલ્લેખ હશે, ત્યાં આગામી ત્રણ મહિનામાં સ્ટ્રીટ લાઈટના પોલ લગાવી અજવાળું કરવામાં આવશે. આનાથી રાત્રિના સમયે સુરક્ષામાં પણ વધારો થશે.
ઓરલ કેન્સરની તપાસ હવે ઘરઆંગણે
આરોગ્ય ક્ષેત્રે પણ કોર્પોરેશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં મોંઢાના કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે પ્રાથમિક તબક્કે જ તેની જાણકારી મળી શકે તે માટે 10 જેટલા આધુનિક ઓરલ કેન્સર સ્કેનર મશીન ખરીદવામાં આવશે. આ મશીનો શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટર (UHC) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે મૂકવામાં આવશે.
15 થી 20 લાખની કિંમતના મશીનો
ચેરમેને વધુમાં ઉમેર્યું કે, ₹15 થી 20 લાખની કિંમતના આ મશીનો દેખાવમાં ટૂથબ્રશ જેવા હોય છે, જેના દ્વારા ખૂબ જ સરળતાથી પ્રાથમિક તપાસ થઈ શકે છે. જો કેન્સરની માહિતી શરૂઆતના સ્ટેજમાં મળી જાય તો દર્દીને બચાવવાની શક્યતા ઘણી વધી જાય છે. હવે ગરીબ દર્દીઓએ આવી તપાસ માટે મોટી હોસ્પિટલોના ધક્કા ખાવા પડશે નહીં.








