Ahmedabad Auto Taxi Strike: અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા અને ટેક્સીચાલકો હડતાળ પર ઉતરશે. યુનિયનના જણાવ્યા મુજબ આશરે 2 લાખ રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જશે. ઓનલાઈન બુકિંગથી ચાલતી રિક્ષા અને ટેક્સી સેવાઓમાં પૂરતું વળતર મળતું ન હોવાનો આક્ષેપ કરીને ચાલકોએ હડતાળનું એલાન કર્યું છે. જેના કારણે સામાન્ય જનજીવન અને મુસાફરી વ્યવસ્થા પર મોટી અસર થવાની શક્યતા છે. જો, કે યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનની સેવાઓ હડતાળમાંથી બાકાત રહેશે.
ઓછું ભાડું અને વધતા CNG ભાવ સામે રોષ
રિક્ષા અને ટેક્સી યુનિયનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી CNG સહિતના સંચાલન ખર્ચમાં વધારો થયો છે. બીજી તરફ, ઓનલાઈન કેબ બુકિંગ પ્લેટફોર્મ પર ઓછા ભાડાના કારણે ડ્રાઇવરોને પૂરતું વળતર મળતું નથી તેવી તેમની ફરિયાદ છે. યુનિયનોનો આક્ષેપ છે કે ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સી જેવા એગ્રિગેટર્સની સેવાઓમાં ડ્રાઇવરોને કિલોમીટર દીઠ આશરે ₹8થી ₹10 જેટલું વળતર મળતું હોવાના કારણે મોંઘવારી વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
હાલ અમદાવાદ, ગાંધીનગર અને સાણંદમાં હડતાળ
હાલના તબક્કે હડતાળનો વ્યાપ અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ વિસ્તાર સુધી સીમિત હોવાનું યુનિયનો દ્વારા જણાવાયું છે. ચાર દિવસની હડતાળ દરમિયાન સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા તેમની માગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. યુનિયનોનું કહેવું છે કે જો હડતાળ બાદ પણ તેમની માગણીઓનું નિરાકરણ નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
RTO અને સરકારી કચેરીઓના ઘેરાવની ચીમકી
માગણીઓ નહીં સંતોષાય તો આગામી તબક્કામાં રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત વિશાળ રેલી યોજીને RTO તથા ગાંધીનગર સ્થિત સંબંધિત સરકારી કચેરીઓનો ઘેરાવ કરવાની પણ યુનિયનો દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે.
મુસાફરોની મુશ્કેલી વધવાની શક્યતા
રિક્ષા અને ટેક્સી સેવાઓ ચાર દિવસ સુધી મોટા પ્રમાણમાં ખોરવાતા સામાન્ય મુસાફરોને મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને રોજિંદા નોકરી-ધંધા માટે અવરજવર કરતા લોકો, વિદ્યાર્થીઓ તેમજ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ તરફ જતા મુસાફરોને વૈકલ્પિક પરિવહનનો સહારો લેવો પડી શકે છે. હડતાળ દરમિયાન અમદાવાદમાં જાહેર પરિવહન વ્યવસ્થા પર મુસાફરોનો વધારાનો ભાર પડે તેવી પણ શક્યતા છે.








