Asarwa water tank skeleton: અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી ખોપરી અને હાડકાં મળી આવવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. નિયમિત સફાઈ દરમિયાન ટાંકીના તળિયેથી શંકાસ્પદ અવશેષો નજરે પડતાં સફાઈ કામદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ શાહીબાગ પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને નમૂનાઓ કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પીવાના પાણીના સ્ત્રોતમાંથી આવા અવશેષો મળી આવવાથી સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સાથે ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
હાડકાં માનવીના છે કે પ્રાણીના તે અંગે FSL તપાસ
શાહીબાગ પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટાંકીમાંથી સંપૂર્ણ હાડપિંજર મળ્યું નથી પરંતુ માત્ર બેથી ત્રણ હાડકાં અને એક ખોપરી મળી આવ્યા છે. પ્રાથમિક નજરે આ અવશેષો કોઈ માનવીના છે કે પ્રાણીના તે સ્પષ્ટ થઈ શક્યું નથી. આ સંદર્ભે પેનલ ડોક્ટરો દ્વારા પ્રાથમિક પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે એફએસએલની વિશેષ ટીમો દ્વારા તેનું ઊંડાણપૂર્વક પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. સાયન્ટિફિક એનાલિસિસ અને ડીએનએ રિપોર્ટ સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ અવશેષો કોઈ વ્યક્તિના છે કે પછી કોઈ પ્રાણી ટાંકીમાં પડી ગયું હતું.
દોઢ વર્ષથી સફાઈ ન કરનાર એજન્સી સામે તવાઈ
મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અસારવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની આ ટાંકીની છેલ્લી સફાઈ જાન્યુઆરી 2025માં કરવામાં આવી હતી. નિયમ મુજબ દર વર્ષે સમયાંતરે ટાંકીની સફાઈ કરવાની ફરજ કોન્ટ્રાક્ટર મેસર્સ કૃણાલ બિલ્ડર્સની હતી, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તેણે સફાઈની કામગીરી ન કરી હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કડક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વોટર ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતી મહિમા નામની એજન્સીની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
સુરક્ષામાં મોટી ચૂક અને શંકાસ્પદ હિલચાલ અંગે પોલીસ તપાસ
આ કંકાલ વિશાળ ટાંકીમાં કેવી રીતે પહોંચ્યું તે રહસ્ય હજુ અકબંધ છે. પોલીસ દ્વારા અલગ-અલગ થીયરી પર તપાસ ચલાવવામાં આવી રહી છે, જેમાં કોઈ વ્યક્તિ અકસ્માતે કે આત્મહત્યાના ઇરાદે અંદર પડી ગઈ હોવાની શક્યતા તપાસાઈ રહી છે. બીજી તરફ પાણીના ફોર્સ સાથે આગળની મુખ્ય પાઇપલાઇનમાંથી આ અવશેષો તણાઈ આવ્યા હોવાની સંભાવના પણ નકારી શકાતી નથી. વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે, પરંતુ ત્યાં પૂરતી સુરક્ષા કે સીસીટીવી કેમેરા પણ નહોતા, જે તંત્રની ગંભીર બેદરકારી છતી કરે છે. ઘટના પહેલાં પરિસરમાં આંટાફેરા મારતા એક અજાણ્યા શંકાસ્પદ શખ્સ અંગે પણ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછ કરી રહી છે.
ટાંકીનું કેમિકલ ક્લિનિંગ અને સપ્લાય ફરી શરૂ કરવાની તૈયારી
અસારવા વિલેજ પમ્પિંગ સ્ટેશન દૈનિક આશરે 85 લાખ લીટર પાણી 40,000થી વધુ સ્થાનિક રહીશોને પૂરું પાડે છે. છેલ્લા લગભગ 10 દિવસથી સ્થાનિક લોકો નળમાં દુર્ગંધવાળું અને ડહોળું પાણી આવવાની ફરિયાદો કરી રહ્યા હતા, જેના પગલે સફાઈ હાથ ધરાઈ હતી. શંકાસ્પદ અવશેષો મળ્યા બાદ તંત્ર દ્વારા મડ પંપ લગાવીને સમગ્ર ટાંકીનું પાણી બહાર કાઢી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટ કેમિકલ વડે ટાંકીની દીવાલો અને તળિયાને ડીપ ક્લીન કરી જીવાણુરહિત કરવામાં આવ્યું છે. લેબોરેટરીમાં ક્લોરિનેશન લેવલ અને પાણીની શુદ્ધતા ચકાસ્યા બાદ જ વિસ્તારમાં પાણી પુરવઠો ફરીથી પૂર્વવત કરવામાં આવી રહ્યો છે.








