Anganwadi Workers Protest Ahmedabad: 'હું તો કાગળિયા લખી લખી થાકી, સરકાર તારા મનમાં નથી... હું તો આજીજી કરી કરી થાકી, સરકાર તારા મનમાં નથી...' ગીત ગાઈને આંગણવાડી બહેનોએ અમદાવાદમાં સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અમદાવાદના સરદાર ગાર્ડનમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ બે દિવસના ઉપવાસ અને ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ રાજ્યભરમાંથી આંગણવાડી તથા આશા વર્કરો લઘુત્તમ વેતન સહિતની પડતર માંગણીઓ સાથે આ વિરોધમાં જોડાયા છે.
'મોંઘવારીમાં આટલા ઓછા વેતનમાં ઘર ચલાવવું મુશ્કેલ'
આંગણવાડી અને આશા વર્કર બહેનોનું કહેવું છે કે સરકારની વિવિધ યોજનાઓ અને કામગીરીમાં મહત્વની જવાબદારી નિભાવ્યા છતાં તેમને ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે. હાલ આંગણવાડી વર્કરને ₹10,000, હેલ્પરને ₹5,500 અને આશા વર્કરને માત્ર ₹4,500 પ્રતિ માસ ચૂકવવામાં આવે છે. બહેનોના જણાવ્યા મુજબ, સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે આ રકમમાં ઘર ચલાવવું અને બાળકોના શિક્ષણ સહિતની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે. તેમનું કહેવું છે કે જો સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે તો મહિલાઓને યોગ્ય અને પૂરતું વેતન પણ આપવું જોઈએ.
હાઈકોર્ટના વેતનના હુકમ છતાં સુપ્રીમ કોર્ટમાં અપીલથી રોષ
આંગણવાડી વર્કર અને હેલ્પરના વેતનને લઈને ગુજરાત હાઈકોર્ટની બેન્ચ દ્વારા અનુક્રમે ₹24,800 અને ₹20,300ના વેતન અંગે હુકમ કરવામાં આવ્યો હોવાનો બહેનોનો દાવો છે. જોકે, આ હુકમનો અમલ કરવાને બદલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હોવાને કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત નિવૃત્તિ વયમર્યાદા સહિતની અન્ય પડતર માંગણીઓનો પણ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. બહેનોનું કહેવું છે કે તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
'સરકાર બેઠક બોલાવે છે, વચનો આપે છે પણ અમલ કરતી નથી'
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે તેમની મુખ્ય માંગણી રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની છે. તેમના જણાવ્યા મુજબ, જ્યારે પણ આંદોલન કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા બેઠક માટે બોલાવવામાં આવે છે અને વિવિધ વચનો આપવામાં આવે છે, પરંતુ બાદમાં તેનો અમલ થતો નથી. તેમણે કહ્યું કે આ જ કારણસર બહેનો બે દિવસ સુધી ધરણાં અને ઉપવાસ પર બેસી રહી છે. મોંઘવારીના સમયમાં માત્ર ₹5,500ના વેતનમાં પરિવાર ચલાવવો કેટલો મુશ્કેલ છે તે સમજાવતાં તેમણે કહ્યું કે તેલનો ડબ્બો અને ગેસનો બાટલો ખરીદવામાં જ મોટી રકમ ખર્ચાઈ જાય છે. આવી સ્થિતિમાં બાળકોના શિક્ષણ સહિતના ખર્ચ કેવી રીતે પહોંચી વળવા તે મોટો પ્રશ્ન છે.
'2018થી પગારમાં વધારો થયો નથી'
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાશબેને આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજૂઆત કરવા છતાં માંગણીઓનો ઉકેલ ન આવતાં બહેનોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. તેમની કામગીરી સતત વધતી જાય છે, પરંતુ તેના પ્રમાણમાં લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી. તેમના જણાવ્યા મુજબ, 2018થી કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે 2022 બાદ રાજ્ય સરકાર દ્વારા પણ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પરિવારનું ગુજરાન ચાલી શકે તે પ્રમાણે વેતન વધારવાની માંગ કરવામાં આવી છે.
'ચૂંટણી આવે ત્યારે જ સરકારને બહેનો યાદ આવે'
કૈલાશબેને વધુમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર બેઠકો કરીને વચનો આપે છે, પરંતુ તેનો અમલ થતો નથી. તેમણે કહ્યું કે ચૂંટણી સમયે આ જ બહેનો ઘરે-ઘરે જઈને BLO સહિતની કામગીરી કરે છે અને બુથ પર પણ ફરજ બજાવે છે. વિવિધ કાર્યક્રમો અને મેળાઓ દરમિયાન પણ તેમની સેવાઓ લેવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી કે અન્ય કામગીરીની જરૂરિયાત હોય ત્યારે સરકારને આંગણવાડી અને અન્ય બહેનો યાદ આવે છે, પરંતુ તેમની વેતન સહિતની સમસ્યાઓ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જો સરકાર દ્વારા માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.








