Ahmedabad AMC tree plantation controversy: અમદાવાદમાં વૃક્ષારોપણના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થતા ખર્ચને લઈને સવાલો ઊભા થયા છે. રોડ સાઈડ પર 20,000 વૃક્ષો વાવવા અને ત્રણ વર્ષ સુધી તેની જાળવણી માટે 'કેચ ફાઉન્ડેશન'ને પ્રતિ વૃક્ષ 3,000 રૂપિયા ચૂકવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. આ મુજબ AMCને કુલ 6 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બીજી તરફ, વૃક્ષ કાપનાર વ્યક્તિ કે સંસ્થા પાસેથી નવું વૃક્ષ વાવી ઉછેરવા માટે કોર્પોરેશન માત્ર 2,500 રૂપિયા વસૂલે છે.
માટી, કાપ-ખાતર અને ટ્રી ગાર્ડ સહિતની કામગીરી
આ સમગ્ર મામલે AMCના ખર્ચના પ્રમાણને લઈને ચર્ચા શરૂ થઈ છે. કેચ ફાઉન્ડેશનને રોપા વાવવા ઉપરાંત ખાડા ખોદવા, માટી, કાપ-ખાતર અને ટ્રી ગાર્ડ સહિતની કામગીરી કરવાની રહેશે અને ત્રણ વર્ષ સુધી જાળવણી પણ કરવાની રહેશે. જોકે, રાજ્ય સરકારે 'સદ્ભાવના' નામની NGO સાથે સમાન પ્રકારની કામગીરી માટે પ્રતિ વૃક્ષ 1,490 રૂપિયાના ખર્ચે MoU કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં ત્રણ વર્ષના જાળવણી ખર્ચનો પણ સમાવેશ થાય છે. તેથી એકસરખી કામગીરી માટે AMC 3,000 રૂપિયા પ્રતિ વૃક્ષ કેમ ચૂકવી રહ્યું છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
વિવિધ વિસ્તારોમાં રોપા વાવી ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા
આ ઉપરાંત, AMCના અગાઉના વૃક્ષારોપણ અભિયાનોને લઈને પણ વિવાદ સર્જાયો છે. વર્ષ 2024માં 'મિશન થ્રી મિલિયન' હેઠળ રોડ સાઈડ સહિત વિવિધ વિસ્તારોમાં રોપા વાવી ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2025માં 'મિશન ફોર મિલિયન' હેઠળ 40 લાખ વૃક્ષો વાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, કેટલીક જગ્યાએ 2024માં વાવવામાં આવેલા જૂના રોપા અને ટ્રી ગાર્ડ પર જ નવી ગ્રીન નેટ લગાવી 'મિશન ફોર મિલિયન'ના બોર્ડ મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે.
AMCના 40 લાખ વૃક્ષો વાવવાના દાવાની વાસ્તવિકતા
નવી જગ્યાએ નવા રોપા વાવવાને બદલે જૂના રોપા પર જ નવા મિશનના બોર્ડ લગાવાયા હોવાના આક્ષેપોથી AMCના 40 લાખ વૃક્ષો વાવવાના દાવાની વાસ્તવિકતા સામે પણ સવાલો ઊભા થયા છે. એક તરફ વૃક્ષારોપણ માટે પ્રતિ વૃક્ષ 3,000 રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ વૃક્ષ કાપવાના કેસમાં માત્ર 2,500 રૂપિયા વસૂલવામાં આવે છે. આ બંને ખર્ચ વચ્ચેના તફાવત અને વૃક્ષારોપણ અભિયાનની કામગીરી અંગે હવે વધુ સ્પષ્ટતા જરૂરી બની છે.








