Ahmedabad AMC conducts survey: અમદાવાદ શહેરમાં ખાનગી પ્લોટ પર ફૂડ કોર્ટ, ખાણીપીણીની દુકાનો અને લારીઓ સહિતની કોમર્શિયલ પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી છે, પરંતુ આવી તમામ મિલકતો પાસેથી નિયમિત કોમર્શિયલ ટેક્સ વસૂલાતો ન હોવાની બાબત સામે આવી છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા આવા પ્લોટનો સર્વે હાથ ધરવામાં આવશે. રેવન્યુ કમિટીના ચેરમેન મુકેશ પટેલે શહેરમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ધરાવતા ખાનગી પ્લોટ શોધી તેમની આકારણી કરવા માટે એક મહિનામાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપી છે. સર્વે બાદ ટેક્સની આકારણી થતા કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સ આવકમાં વધારો થવાની શક્યતા છે.
અમદાવાદમાં ફૂડ કોર્ટની સંખ્યા વધુ
ટેક્સ વિભાગને ખાસ કરીને એવા ખાનગી પ્લોટ ઓળખવા કહેવામાં આવ્યું છે જ્યાં ફૂડ કોર્ટ, ખાણીપીણીની દુકાનો, લારીઓ અથવા અન્ય પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી હોય. હાલમાં શહેરમાં આવા કેટલા પ્લોટ છે તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ પશ્ચિમ અમદાવાદમાં ફૂડ કોર્ટની સંખ્યા વધુ છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં તેની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. મોટા ફૂડ કોર્ટમાંથી કોમર્શિયલ ટેક્સની આકારણી કરવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી આકારણીથી બાકાત રહી ગયેલી કોમર્શિયલ પ્રવૃત્તિઓને સર્વે બાદ શોધીને નિયમ મુજબ ટેક્સના દાયરામાં લાવવામાં આવશે.
23,73,243 બિલનું વિતરણ થઈ ચૂક્યું
બીજી તરફ વર્ષ 2026-27ના પ્રોપર્ટી ટેક્સ બિલના વિતરણની કામગીરી પણ ચાલી રહી છે. 8 સપ્ટેમ્બર 2026 સુધીમાં કુલ 26,51,178 બિલમાંથી 23,73,243 બિલનું વિતરણ થઈ ચૂક્યું છે, એટલે કે 89.52 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. હજુ 2,77,935 બિલનું વિતરણ બાકી છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો નોર્થ વેસ્ટ ઝોનમાં 98.30 ટકા બિલ વિતરણ સાથે સૌથી વધુ કામગીરી થઈ છે, જ્યારે પૂર્વ ઝોનમાં માત્ર 76.34 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. પૂર્વ ઝોનના કુલ 5,00,530 બિલમાંથી 1,18,406 બિલ હજુ બાકી છે, જે તમામ ઝોનમાં સૌથી મોટો પેન્ડિંગ આંકડો છે.
બિનઆકારણીવાળી કોમર્શિયલ પ્રવૃત્તિઓ શોધી
કોર્પોરેશનના જણાવ્યા મુજબ કોઈ મિલકતધારકને પ્રોપર્ટી ટેક્સનું બિલ મોડું મળશે તો તેને ચુકવણી માટે પૂરતો સમય આપવામાં આવશે અને આવા કિસ્સામાં બિલ મળ્યા બાદ એક મહિના સુધી વ્યાજ નહીં વસૂલવાની વ્યવસ્થા રહેશે. હવે એક તરફ કોર્પોરેશન ટેક્સની આવક વધારવા માટે ખાનગી પ્લોટમાં ચાલી રહેલી બિનઆકારણીવાળી કોમર્શિયલ પ્રવૃત્તિઓ શોધી રહ્યું છે, તો બીજી તરફ 2.77 લાખથી વધુ ટેક્સ બિલનું વિતરણ હજુ બાકી છે. તેથી આગામી સમયમાં સર્વે બાદ કેટલી નવી મિલકતો ટેક્સના દાયરામાં આવે છે અને કોર્પોરેશનની આવકમાં કેટલો વધારો થાય છે તેના પર સૌની નજર રહેશે.








