Ahmedabad News: અમદાવાદ શહેરમાંથી વધુ એક દહેજ ઉત્પીડન અને મહિલા પરના ગંભીર ત્રાસનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિકોલ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતીના બીજા લગ્ન ડિસેમ્બર 2024માં ઘોડાસર વિસ્તારના પુનિતનગર ક્રોસિંગ પાસે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન સમયે યુવતીના પિયરપક્ષ દ્વારા પોતાની યથાશક્તિ મુજબ કરિયાવર અને ભેટસોગાદો આપવામાં આવી હતી. જોકે, લગ્નના ગણતરીના દિવસોમાં જ સાસરિયાઓની ખરી માનસિકતા બહાર આવી ગઈ હતી અને તેમણે નવી પરિણીતા પર દહેજ બાબતે અમાનુષી ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું.
'અમારા ઘરમાં 15 તોલા સોનાનો નિયમ છે' કહી મેણાં-ટોણાં શરૂ કર્યા
લગ્નના માત્ર 20 દિવસ બાદ જ સાસુએ વહુને પિયર જવાની મનાઈ ફરમાવી દીધી હતી અને ઘરકામના બહાને નાના-મોટા ઝઘડા શરૂ કરી દીધા હતા. સાસરિયાઓએ યુવતી સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, "અમારા પરિવારમાં 15 તોલા સોનાની પરંપરા છે, જ્યારે તારા પિતાએ તો માત્ર 7 તોલા સોનું જ આપ્યું છે." આ કહીને તેમણે વધુ 8 તોલા સોનું લઈ આવવા માટે યુવતી પર સતત માનસિક દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, પતિની પ્રથમ પત્નીના જૂના વપરાયેલા કપડાં અને સામાન વાપરવા માટે પણ આ પરિણીતા પર બળજબરીથી દબાણ કરવામાં આવતું હતું.
નાની-નાની બાબતોમાં મારઝૂડ અને ગંભીર અમાનુષી વર્તન
દિન-પ્રતિદિન સાસરિયાંઓનો ત્રાસ વધતો જ જતો હતો. એક વખત માથું દુખવા પર બામ મંગાવવા જેવી નજીવી બાબતમાં પણ સાસુ-સસરાએ ઉશ્કેરાઈને પરિણીતા સાથે ઝઘડો કરી મારઝૂડ કરી હતી. અન્ય એક બનાવમાં, ભૂલથી ભીના ચંપલ પહેરીને ઘરમાં પ્રવેશી જવા બદલ સાસુએ તે જ ભીના ચંપલ વડે પરિણીતાને ઢોર માર માર્યો હતો. લગ્ન કરાવનાર મધ્યસ્થી સાસરિયાઓને સમજાવવા પહોંચ્યા ત્યારે સાસરીપક્ષે વધુ ઉશ્કેરાઈને પરિણીતાને જમીન પર ઢસડી, સસરાના પગ પકડાવીને અને માથું દબાવીને બળજબરીથી માફી મંગાવી હતી.
બીમારીને નાટક ગણાવી પતિએ બેભાન થાય ત્યાં સુધી મારી
પરિણીતાને તાવ, શરદી અને સતત ઉધરસની તકલીફ થતાં તેમણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવા આજીજી કરી હતી. પરંતુ ઘાતકી સાસુ અને દિયરે "કામ ન કરવું પડે એટલે આ બધા નાટક કરે છે, આને કંઈ થયું નથી" તેમ કહી પતિને ઉશ્કેર્યો હતો. પતિએ ઉશ્કેરાઈને પોતાની પત્ની પર એ હદે શારીરિક હુમલો કર્યો કે પરિણીતા ત્યાં જ બેભાન થઈને ઢળી પડી હતી. આમ છતાં, દયાહીન સાસરિયાઓએ તેમને સારવાર માટે દવાખાને પણ ખસેડ્યા નહોતા. પૂજા-અર્ચના અને ધાર્મિક બાબતોમાં પણ સતત મતભેદો ઊભા કરી યુવતીને હેરાન કરવામાં આવતી હતી.
સામાજિક સમાધાન નિષ્ફળ જતાં અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
સાસરિયાઓના અસહ્ય અને સતત વધતા જતાં ત્રાસથી કંટાળીને આખરે પરિણીતા છેલ્લા એક વર્ષથી પોતાના પિયરમાં રહેવા મજબૂર બની હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે સામાજિક રીતે મામલો ઉકેલવા અને સમાધાન કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સાસરીપક્ષની કડક વલણ અને માંગણીઓને કારણે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. અંતે પરિણીતાએ હિંમત ભેગી કરી પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા અને દિયર સામે શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ ઉત્પીડનની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








