Gujarat Weather Updates: ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા જારી કરાયેલા તાજેતરના નાઉકાસ્ટ બુલેટિન મુજબ ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજા આંકડા અને નકશા અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે અલગ-અલગ ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવી છે. સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના કુલ 240 તાલુકામાં નાનો-મોટો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે.
અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, બોટાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ અને સુરત જિલ્લામાં મધ્યમ વરસાદની વ્યાપક શક્યતા છે. આ વિસ્તારોમાં 5થી 15 મિમી પ્રતિ કલાકની ઝડપે વરસાદ પડી શકે છે. હળવા ગાજવીજ સાથે પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતા છે. સાથે જ જમીન પર વીજળી પડવાની 30થી 60 ટકા જેટલી સંભાવના દર્શાવવામાં આવી છે.
18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં 5 મિમી પ્રતિ કલાકથી ઓછો હળવો વરસાદ અને છૂટાછવાયા ગાજવીજની શક્યતા છે. વીજળી પડવાની સંભાવના 30 ટકાથી ઓછી રહેવાની આગાહી છે.
ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ
હવામાન વિભાગે નાગરિકોને બદલાતા હવામાન પર નજર રાખવા અને ગાજવીજ દરમિયાન સલામત સ્થળે રહેવાની સલાહ આપી છે. ગાજવીજ અને વાવાઝોડાની સ્થિતિમાં ઝાડ નીચે આશરો ન લેવા તેમજ વીજ ઉપકરણોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વાહનવ્યવહાર અને નાગરિકોની અવરજવર પર નજર રાખવા પણ તંત્રને સૂચના અપાઈ છે.
24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવી છે. સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના કુલ 240 તાલુકામાં નાનો-મોટો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
કપરાડામાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ
રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 4.45 ઇંચ એટલે કે 113 મિમી નોંધાયો છે. ત્યારબાદ ભરૂચના વાલિયા તાલુકામાં 3.82 ઇંચ એટલે કે 97 મિમી વરસાદ પડ્યો છે. વલસાડના નાનાપોંઢામાં 3.54 ઇંચ અને ધરમપુરમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ તાલુકાઓમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ
બોટાદના બરવાળામાં 3.39 ઇંચ, મહેસાણાના બેચરાજીમાં 3.35 ઇંચ, નવસારીના વાંસદામાં 3.27 ઇંચ, વલસાડના વાપીમાં 3.11 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના ચૂડામાં 2.83 ઇંચ અને નર્મદાના ગરડેશ્વરમાં 2.76 ઇંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ વરસાદ
મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સારી હાજરી જોવા મળી છે. ખેડા જિલ્લાના કપડવંજ અને ખેડા તાલુકામાં 2.56 ઇંચ એટલે કે 65 મિમી વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં 2.13 ઇંચ અને અમદાવાદ શહેરમાં 1.69 ઇંચ એટલે કે 43 મિમી વરસાદ નોંધાયો છે.








