Vadodara Ajwa Road Attack: સંસ્કારી નગરી વડોદરાના આજવા ચોકડી પાસે આવેલા કાન્હા લેન્ડમાર્ક વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં આવેલી એક જાણીતી મોબાઈલ શોપમાં કામ કરતા યુવક પર અચાનક ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરચક વિસ્તારમાં અને દિવસના સમયે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ધોરણે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
3 વર્ષ જૂની દોસ્તી બાદ સંબંધોમાં પડી તિરાડ
પોલીસ તપામ અને નોંધાયેલી ફરિયાદ અનુસાર, વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામનો રહેવાસી ગણેશ રસિક વસાવા આ મોબાઈલ શોપમાં નોકરી કરે છે. આશરે ત્રણ વર્ષ પહેલાં ધવલ મહસ્કર નામનો યુવક આ દુકાને મોબાઈલની એસેસરીઝ ખરીદવા આવતો હતો. આ દરમિયાન બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. ધવલ અવારનવાર પોતાની પત્ની સાથે પણ દુકાને આવતો હોવાથી ગણેશ તેના પરિવારથી સારી રીતે પરિચિત હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ધવલને મનમાં વહેમ હતો કે ગણેશ અને તેની પત્ની વચ્ચે આડાસંબંધો છે. આ શંકાના કારણે જ બંને વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ હતી.
હુમલાના આગલા દિવસે જ ઘરમાં થયો હતો વિવાદ
ઘટનાના એક દિવસ પહેલાં એટલે કે 31 ઓગસ્ટના રોજ ધવલની પત્નીએ ગણેશને ફોન કરીને જાણ કરી હતી કે તેનો પતિ અવારનવાર ગણેશ સાથેના સંબંધોને લઈને ઝઘડો કરી રહ્યો છે. આ સાંભળીને ગણેશ સમગ્ર બાબત સ્પષ્ટ કરવા માટે સાંજના સમયે ધવલના ઘરે પહોંચ્યો હતો. જોકે, ત્યાં કોઈ સમજુતી થવાને બદલે ધવલે અત્યંત આવેશમાં આવીને ગણેશને પોતાના ઘરેથી તાત્કાલિક નીકળી જવા માટે કહ્યું હતું અને ગંભીર પરિણામ ભોગવવાની ચિમકી આપી હતી.
સવારે જ દુકાનમાં ઘૂસી ધવલે ચાકુ વડે કર્યો હુમલો
આ વિવાદ બાદ બીજા દિવસે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ સવારે ગણેશ રોજિંદા ક્રમ મુજબ મોબાઈલ શોપ પર પોતાની નોકરી પર પહોંચ્યો હતો. સવારે આશરે 11:15 વાગ્યાના સુમારે ગણેશ દુકાનનું કાઉન્ટર સાફ કરી રહ્યો હતો, ત્યારે જ અચાનક ગુસ્સે ભરાયેલો ધવલ દુકાનની અંદર ઘૂસી આવ્યો હતો. ધવલે કોઈ પણ વાતચીત કર્યા વિના અથવા ચેતવણી આપ્યા વગર જ પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢીને ગણેશના ગળાના ભાગે સીધો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગણેશને ગળાના ભાગે 3 થી 4 ઈંચ જેટલો ઊંડો ઘા વાગ્યો હતો.
કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ
આ લોહિયાળ હુમલો થતાં જ દુકાનમાં સાથે કામ કરતા આફતાબ મેમણ નામના કર્મચારીએ હિંમત દર્શાવીને આરોપી ધવલને પકડી પાડવાનો અને ગણેશને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ ગણેશને જાતિવિષયક અપમાનજનક શબ્દો કહીને ગાળો આપી હતી. ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત ગણેશ વસાવાની ફરિયાદના આધારે આરોપી ધવલ મહસ્કર વિરુદ્ધ હુમલો કરવા તેમજ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.








