Ahmedabad Crime News: અમદાવાદના જુહાપુરામાં મોડી રાત્રે ઘરની બહાર રિક્ષામાં મોટા અવાજે વગાડવામાં આવતા સ્પીકરનો વિરોધ કરવો એક યુવકને ભારે પડ્યો હતો. મોડી રાત્રે ઘરની બહાર થતા ઘોંઘાટનો વિરોધ કરવાની બાબતની અદાવત રાખીને 4 જેટલા શખ્સોએ યુવક પર દૂધના કેરટ વડે હુમલો કરી લોહલુહાણ કરી દીધો હતો.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સોમવારે (16 નવેમ્બર) રાત્રે લગભગ 12:30 વાગ્યે જુહાપુરામાં રહેતા સેશન્સ કોર્ટના વકીલે પોતાના ઘરની બહાર રિક્ષામાં મોટા અવાજે વાગતા સ્પીકરનો અવાજ બંધ કરવા કહ્યું. આ રિક્ષામાં લગભગ 7 થી 8 લોકો બેઠા હતા. વકીલે જ્યારે તેમને અવાજ બંધ કરવાનું કીધું તો શખ્સોએ વકીલ સાથે બોલાચાલી કરી અને બાદમાં તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી દીધી. નશામાં ચૂર આ શખ્સો માન્યા નહીં તો વકીલે વધુ દલીલ ન કરતા સીધો જ પોલીસને ફોન કર્યો અને પોલીસની મદદથી આ ઘોંઘાટ બંધ કરાવ્યો. પોલીસની દરમિયાનગીરીથી ત્યાર પૂરતો આ મામલો થાળે પડી ગયો હતો.
વકીલ પર કર્યો હુમલો
વકીલ દ્વારા પોલીસ બોલાવવાની વાત રિક્ષામાં બેઠેલા આ શખ્સોને પસંદ ન આવી અને તેમણે આ વાતની અદાવત રાખીને બીજા દિવસે બદલો વાળ્યો. જ્યારે બીજા દિવસે વકીલ પોતાના ઘરેથી કોર્ટ જઈ રહ્યા હતા, ત્યારે ત્યાં કેટલાક શખ્સો અચાનક તેમની સામે આવ્યા અને મારામારી કરવા લાગ્યા. આ ઘટનાને જોઈને વકીલના પરિવારજનો તેમને બચાવવા વચ્ચે પડ્યા તો હિંસક શખ્સોએ નજીકમાં પડેલું દૂધનું કેરેટ ઉપાડ્યું અને વકીલના માથે મારી તેમને લોહીલુહાણ કરી દીધા હતા.
પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
ઘટના વધુ હિંસક બનતા સ્થાનિકોનું ટોળું એકઠું થઈ ગયું. લોકોની વધતી ભીડ જોઈને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પીડિત વકીલે સમગ્ર મામલે તાત્કાલિક વેજલપુર પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી છે. હાલ, પોલીસે સમગ્ર ઘટનાને લઈને આસપાસના સીસીટીવી ખંગાળવાનું શરૂ કરી આરોપીને પકડવાની કવાયત હાથ ધરી છે.








