Save the lives of birds: ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ઉડાડવાની ઉત્સાહભરી પરંપરા સાથે જોડાયેલી દોરીથી થતી દુર્ઘટનાઓ રોકવા માટે વિસનગર શહેરમાં એક નોંધપાત્ર અને સેવાભાવી પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણ બાદ શહેરમાં પડેલી દોરીને એકત્રિત કરી તેનો નાશ કરવાનો હતો, જેથી પશુ-પક્ષી તેમજ માનવજીવનને થતી સંભવિત ઇજાઓ અટકાવી શકાય.
એક કિલો દોરી આપો અને 200 રૂપિયા મેળવો
વિસનગરના ત્રણ દરવાજા ટાવર નજીક આવેલ 'ગેટ-વે' નામની શો-રૂમ ધરાવતા વેપારી મહેશભાઈ રાજપૂતે ભારત વિકાસ પરિષદ અને જાયન્ટસ ગ્રુપના સહયોગથી આ અભિયાન શરૂ કર્યું હતું. ઉત્તરાયણ બાદ શહેરના રસ્તાઓ, છત, વૃક્ષો અને ખુલ્લા વિસ્તારોમાં લટકતી અથવા પડેલી દોરી ઘણીવાર પક્ષીઓના ગળામાં ફસાઈ જવાથી તેમના મૃત્યુનું કારણ બને છે. સાથે સાથે, દોરીના કારણે લોકોને પણ ગંભીર ઇજાઓ થવાના બનાવો સામે આવતા રહે છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને આ અનોખું અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત 'એક કિલો દોરી આપો અને 200 રૂપિયા મેળવો' એવી પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી હતી. શુક્રવારે સવારે મહેશભાઈની 'ગેટ-વે' શો-રૂમ ખાતે દોરી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લોકો ઘરો, છત, દુકાનો અને રસ્તાઓ પરથી એકત્રિત કરેલી દોરી લઈને શો-રૂમ ખાતે પહોંચ્યા હતા.
સંભવિત અકસ્માતો અટકાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ
સાંજ સુધીમાં કુલ 550 કિલો જેટલી દોરી એકત્રિત થવી આ અભિયાનની સફળતાનો સ્પષ્ટ પુરાવો બની. એકત્રિત થયેલી દોરીને બાદમાં વાહન મારફતે શહેરના સુંશી રોડ ઉપર આવેલા જુના ડમ્પિંગ સ્ટેશન પાસે લઈ જવામાં આવી હતી, જ્યાં સલામતીના તમામ ધોરણો જાળવી દોરી સળગાવી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો. આ અભિયાનથી ઉત્તરાયણ બાદ શહેરમાં ફેલાયેલી દોરી દૂર કરી સંભવિત અકસ્માતો અટકાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ થયો છે. ખાસ કરીને પક્ષીઓ માટે આ પહેલ જીવદાયી સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓએ પણ આ પ્રયાસને બિરદાવ્યો છે.
વિસનગર માટે ગૌરવની બાબત
મહેશભાઈ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'ઉત્તરાયણ પર્વ દરમિયાન પડતી દોરીથી કોઈપણ પક્ષી, પશુ કે માણસને ઇજા ન થાય એ જ અમારો મુખ્ય આશય હતો. શહેરના નાગરિકોએ જે રીતે સહકાર આપ્યો તે પ્રશંસનીય છે. એક જ દિવસમાં 550 કિલો દોરી એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો છે, જે વિસનગર માટે ગૌરવની બાબત છે.' શહેરના નાગરિકોએ પણ આવી સેવાભાવી પ્રવૃત્તિઓથી સમાજમાં જાગૃતિ વધે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉત્તરાયણ જેવા પર્વોને ઉત્સાહ સાથે સાથે જવાબદારીપૂર્વક ઉજવવાની આ પહેલ અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.








