Ahmedabad Rs 2000 Note Exchange Scam: દેશમાંથી કાળા નાણાં પર અંકુશ મેળવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા મે 2023માં 2000 રૂપિયાની ચલણી નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શરૂઆતના તબક્કામાં સામાન્ય બેંકો મારફતે નોટો બદલવાની સુવિધા આપવામાં આવી હતી, જેના બાદ હાલ માત્ર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની શાખાઓ મારફતે જ આ નોટો જમા કે બદલી શકાય છે. જોકે, હજુ પણ અનેક સંગ્રહખોરો પાસે કરોડો રૂપિયાનું કાળું નાણું 2000ની નોટોના સ્વરૂપમાં પડ્યું હોવાથી તેને વટાવવા માટે મોટું ગેરકાયદેસર કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.
કેવી રીતે ચાલતી હતી આખી જાળ?
અમદાવાદમાં આશ્રમ રોડ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની શાખા નજીકથી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. કાળું નાણું ધરાવતા લોકો પાસેથી પ્રતિબંધિત 2000ની નોટો મેળવી તેને વટાવવા માટે આ ગિરોહ લોકોના બેંક એકાઉન્ટ મેળવતો હતો. નિયમ અનુસાર એક ખાતામાં ચોક્કસ મર્યાદા સુધી જ રકમ જમા કરાવી શકાતી હોવાથી, કૌભાંડીઓ પ્રતિ બેંક એકાઉન્ટમાં રૂ. 9 લાખ સુધીની 2000ની નોટો જમા કરાવતા હતા. આ રીતે કરોડો રૂપિયાનું કાળું નાણું કાયદેસરની બેંકિંગ સિસ્ટમમાં ઘુસાડીને સફેદ કરી દેવામાં આવતું હતું.
રૂ. 30 થી 50 હજારનું કમિશન આપીને મેળવતા હતા બેંક એકાઉન્ટ્સ
આ સમગ્ર રેકેટમાં નિર્દોષ અને સામાન્ય લોકોને લાલચ આપીને તેમના બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઈરફાન ઉર્ફે ચીના નામના મુખ્ય સૂત્રધાર દ્વારા જે વ્યક્તિ પોતાનું ખાતું વાપરવા આપે તેને પ્રતિ ખાતા રૂ. 30,000 થી રૂ.50,000 સુધીનું કમિશન આપવામાં આવતું હતું. સામાન્ય નાગરિકો કમિશનની લાલચમાં આવીને પોતાના એકાઉન્ટ અને દસ્તાવેજો કૌભાંડીઓને સોંપી દેતા હતા, જેનો ઉપયોગ 2000ની પ્રતિબંધિત નોટો RBIમાં બદલાવવા માટે થતો હતો.
RBIના પૂર્વ કર્મચારીની મુખ્ય ભૂમિકા
પોલીસ અને તપાસ એજન્સીઓની પ્રાથમિક વિગતો મુજબ, આ સમગ્ર કૌભાંડમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ કર્મચારી રાજુ સહિત કુલ 4 શખ્સોની સંડોવણી સામે આવી છે. RBIના નિયમો, કામગીરીની પદ્ધતિ અને છટકબારીઓથી વાકેફ હોવાને કારણે પૂર્વ કર્મચારી રાજુ આ કૌભાંડને સુવ્યવસ્થિત રીતે અંજામ આપવામાં મદદરૂપ બનતો હતો. બેંકિંગ પ્રક્રિયાની અંદરની માહિતી હોવાનો લાભ ઉઠાવીને આ ગિરોહ લાંબા સમયથી સક્રિય હતો.
તપાસનો ધમધમાટ અને કાયદાકીય કાર્યવાહી
આ ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થતાં જ પોલીસ અને સંબંધિત એજન્સીઓએ તપાસનો દોર ઝડપી બનાવ્યો છે. કૌભાંડમાં સંકળાયેલા ચારેય શખ્સો સામે ગુનો નોંધીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ગિરોહે અત્યાર સુધીમાં કેટલા લોકોના ખાતાનો ઉપયોગ કરીને કરોડોની નોટો વટાવી છે અને તેમની પાછળ કયા મોટા કાળા નાણાં ધરાવનારા આકાઓ બેઠા છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








