Marine Biotech Research Corridor M-BRIC in Porbandar: ગુજરાતના દરિયાકિનારાની સમૃદ્ધિને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને રાજ્ય સરકાર બ્લૂ બાયોઇકોનોમીના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ લખવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પોરબંદર જિલ્લાના મોચા ગામ ખાતે ₹100 કરોડના ખર્ચે 'મરિન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર' (M-BRIC) સ્થાપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ભાવનગર ખાતે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) અને કેન્દ્રીય સંસ્થા CSIR-CSMCRI વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીની ખાસ ઉપસ્થિતિમાં આ કરાર સંપન્ન થશે.
30 એકરમાં પથરાયેલું હશે વિશાળ M-BRIC કેમ્પસ
પોરબંદરનું મોચા ગામ આ મરિન બાયોટેક પ્રોજેક્ટનું મુખ્ય કેન્દ્ર બનશે. આ આખું કેમ્પસ આશરે 30 એકર જેટલી વિશાળ જમીન પર તૈયાર કરવામાં આવશે, જેમાં 10 એકર વિસ્તાર ખાસ રિસર્ચ અને સંશોધન માટે અને બાકીનો 20 એકર વિસ્તાર ઔદ્યોગિક વિકાસ માટે ફાળવવામાં આવશે. રિસર્ચ કેમ્પસમાં વૈજ્ઞાનિક શોધો, નવીન પ્રયોગો અને તાલીમ માટેની અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. જ્યારે ઔદ્યોગિક ઝોનમાં બાયોમેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ, પ્રોડક્ટ ટેસ્ટિંગ, પેકેજિંગ, ગોડાઉન અને લોજિસ્ટિક્સ જેવી તમામ જરૂરિયાતો એક જ છત નીચે પૂરી પાડવામાં આવશે.
દરિયાઈ સીવીડ અને સૂક્ષ્મ જીવોમાંથી બનશે ઉચ્ચ મૂલ્ય ધરાવતી પ્રોડક્ટ્સ
ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે, જ્યાં સીવીડ (દરિયાઈ વનસ્પતિ), માઇક્રોએલ્ગી અને અસંખ્ય દરિયાઈ સૂક્ષ્મ જીવો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. M-BRIC કોરિડોર દ્વારા આ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને જીનોમિક્સ અને બાયોપ્રોસેસિંગ જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી કિંમતી ઉત્પાદનો બનાવવામાં આવશે. આ સંશોધનોના આધારે કુદરતી ખાતરો (બાયોફર્ટિલાઇઝર્સ), પોષક તત્વો (ન્યુટ્રાજ્યુટિકલ્સ), સૌંદર્ય પ્રસાધનો (કોસ્મેસ્યુટિકલ્સ), માછલી અને પશુઓ માટેનો પૌષ્ટિક આહાર, દવાઓ માટેના ઘટકો અને બાયો-પ્લાસ્ટિક જેવા મટીરિયલ્સ તૈયાર કરવામાં આવશે.
નવા સ્ટાર્ટઅપ્સ અને સાહસિકોને મળશે મોટો ટેકો
આ પ્રોજેક્ટ માત્ર સંશોધન પૂરતો સીમિત નહીં રહે, પરંતુ નવા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે પણ એક આશીર્વાદરૂપ સાબિત થશે. M-BRIC ઇકોસિસ્ટમ અંતર્ગત રાજ્ય કક્ષાની 'સીવીડ બ્રૂડ બેંક' પણ સ્થાપવામાં આવશે, જે ખેડૂતો અને ઉદ્યોગોને કપ્પાફિકસ અને ગ્રાસિલારિયા જેવી ઉત્તમ ગુણવત્તા ધરાવતી સીવીડની જાતો પૂરી પાડશે. આ ઉપરાંત, પ્રયોગશાળામાં થતા સંશોધનોને સીધા જ બજાર સુધી પહોંચાડી શકાય તે માટે પ્રોસેસિંગ અને બાયોમેન્યુફેક્ચરિંગ માટેની પાઇલટ-સ્કેલ સુવિધાઓ પણ સ્ટાર્ટઅપ્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે. CSIR-CSMCRI સંસ્થા આ સમગ્ર પહેલમાં મુખ્ય વૈજ્ઞાનિક ભાગીદાર તરીકે ટેકનોલોજી અને જ્ઞાન પૂરું પાડશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારી અને કૌશલ્યનો થશે વિકાસ
ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક પ્રગતિની સાથે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાકાંઠે વસતા સ્થાનિક સમુદાયો અને માછીમારોનું જીવનધોરણ સુધારવાનો છે. આ સ્કીમ હેઠળ સ્થાનિક યુવાનો, સીવીડની ખેતી કરતા ખેડૂતો, મહિલા ગૃહો, સ્ટુડન્ટ્સ અને એમએસએમઈ (MSME) એકમો માટે ખાસ તાલીમ કાર્યક્રમો યોજાશે. જેમાં સીવીડ કલ્ટિવેશન, એકવાકલ્ચર અને બાયોટેકનોલોજી જેવા વિષયો પર પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. આગામી 5 વર્ષોમાં આશરે 1,000 થી 1,500 જેટલા સ્થાનિક લોકોને તાલીમબદ્ધ કરીને રોજગારી અને આત્મનિર્ભરતાના નવા દ્વાર ખોલવામાં આવશે.








