Indias artificial sun: ભારત સ્વચ્છ અને લગભગ અખૂટ ન્યુક્લિયર ફ્યુઝન ઊર્જાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. ગુજરાત સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) ખાતે SST-1 ટોકામાક રિએક્ટર માટે 82.6 ગીગાહર્ટ્ઝ ફ્રિક્વન્સી અને 400 કિલોવોટ ક્ષમતાવાળું અદ્યતન ગાયરોટ્રોન સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપકરણ ટોકામાકમાં રહેલા પ્લાઝમાને અત્યંત ઊંચા તાપમાને ગરમ કરવામાં મદદ કરશે અને ભવિષ્યમાં ફ્યુઝન ઊર્જા સંશોધનને વધુ ગતિ આપશે.
પ્લાઝમાનું તાપમાન 20 કરોડ ડિગ્રી સેલ્સિયસ
SST-1 ભારતનું સુપરકન્ડક્ટિંગ ફ્યુઝન રિએક્ટર છે, જેનો મુખ્ય હેતુ ધરતી પર સૂર્ય જેવી ફ્યુઝન પ્રક્રિયાના અભ્યાસ માટે અતિ ગરમ પ્લાઝમા તૈયાર કરવાનો છે. પ્રયોગો દરમિયાન પ્લાઝમાનું તાપમાન 20 કરોડ ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચ્યું હોવાનું જણાવવામાં આવે છે, જે સૂર્યના કેન્દ્ર કરતાં પણ અનેક ગણું વધારે છે. નવું ગાયરોટ્રોન આ પ્લાઝમાને વધુ અસરકારક રીતે ગરમ કરવા ઉપરાંત તેને લાંબા સમય સુધી સ્થિર રાખવાના સંશોધનમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
SST-1માં અગાઉ 42 ગીગાહર્ટ્ઝની સિસ્ટમ
ગાયરોટ્રોન મૂળભૂત રીતે અત્યંત ઊંચી ફ્રિક્વન્સીની માઇક્રોવેવ ઊર્જા ઉત્પન્ન કરતું વિશેષ ઉપકરણ છે. આ ઊર્જા ટોકામાકના પ્લાઝમામાં પહોંચાડવામાં આવે છે, જેના કારણે પ્લાઝમા વધુ ગરમ થાય છે. SST-1માં અગાઉ 42 ગીગાહર્ટ્ઝની સિસ્ટમનો ઉપયોગ થતો હતો, જ્યારે નવી 82.6 ગીગાહર્ટ્ઝ સિસ્ટમ વધુ શક્તિશાળી હીટિંગ ક્ષમતા પૂરી પાડશે. ફ્યુઝન સંશોધનમાં માત્ર અતિ ઊંચું તાપમાન મેળવવું જ નહીં, પરંતુ પ્લાઝમાને લાંબા સમય સુધી નિયંત્રિત અને સ્થિર રાખવું પણ મોટો પડકાર છે.
ભારતની ફ્યુઝન સંશોધન ક્ષમતાને વધુ મજબૂતી મળશે
ન્યુક્લિયર ફ્યુઝનને ભવિષ્યના સ્વચ્છ અને ટકાઉ ઊર્જા સ્ત્રોતોમાંથી એક માનવામાં આવે છે. જોકે SST-1 હાલમાં વીજળી ઉત્પન્ન કરતું પાવર પ્લાન્ટ નથી, પરંતુ ફ્યુઝન ટેક્નોલોજીના વિકાસ માટેનું સંશોધન રિએક્ટર છે. નવા ગાયરોટ્રોનથી ભારતની ફ્યુઝન સંશોધન ક્ષમતાને વધુ મજબૂતી મળશે અને ભવિષ્યમાં મોટા ફ્યુઝન પાવર પ્લાન્ટ વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ અનુભવ પ્રાપ્ત થશે. છતાં વ્યાવસાયિક સ્તરે ફ્યુઝન વીજળીનું ઉત્પાદન શરૂ કરવા માટે હજુ અનેક વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ પડકારો પાર કરવા બાકી છે.








