Jafrabad Mining Issue: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખાનગી કંપનીને માઇનિંગ માટે રિઝર્વ ફોરેસ્ટની જમીન સોંપવાના મામલે હવે રાજકીય અને સામાજિક સ્તરે ભારે વિરોધ ઊભો થયો છે. રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આ મુદ્દે રાજ્યના વનમંત્રી અર્જૂન મોઢવાડિયાને પત્ર લખી ખાનગી કંપનીને રિઝર્વ ફોરેસ્ટની જમીન માઇનિંગ માટે ન ફાળવવા તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
70 હેક્ટર જેટલી જમીન ખાનગી કંપનીને સોંપવાના સંકેતો
માહિતી મુજબ, જાફરાબાદ તાલુકાના બાબરકોટ વિસ્તારમાં અંદાજે 70 હેક્ટર જેટલી રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઇનિંગ હેતુસર સોંપવાની પ્રક્રિયા ચાલી રહી હોવાના સંકેતો સામે આવ્યા છે. આ મામલો બહાર આવતા જ સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે, જ્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે.
હીરાભાઈ સોલંકીએ પત્રમાં શું લખ્યું?
હીરાભાઈ સોલંકીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, બાબરકોટ અને આસપાસનો વિસ્તાર એશિયાટિક સિંહોની અવરજવરના વિસ્તાર તરીકે ઓળખાય છે. રાજ્ય સરકાર સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે આવી સંવેદનશીલ રિઝર્વ ફોરેસ્ટની જમીન માઇનિંગ માટે ફાળવવાનો નિર્ણય વિસંગત અને જોખમી સાબિત થઈ શકે છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, જો માઇનિંગને મંજૂરી આપવામાં આવશે તો સિંહોના કુદરતી નિવાસસ્થાન પર ગંભીર અસર પડશે અને સિંહો તથા ગ્રામજનો વચ્ચેનો ઘર્ષણ પણ વધી શકે છે.
ધારાસભ્યએ વન વિભાગને પણ આ મામલે જવાબદાર ઠેરવ્યા
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, માઇનિંગ પ્રવૃત્તિઓના કારણે જંગલ વિસ્તારનું પર્યાવરણ બગડશે, પ્રાણીઓના માર્ગોમાં અવરોધ ઊભા થશે અને સમગ્ર ઇકોસિસ્ટમ પર નકારાત્મક અસર પડશે. તેમણે વન વિભાગને પણ આ મામલે જવાબદાર ઠેરવતા કહ્યું કે, વન વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓના "ભેદી મૌન"ને કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આખરે કઈ પરિસ્થિતિમાં અને કોના હિતમાં આવી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે તે અંગે પારદર્શક જવાબ આપવાની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું.
સરકાર અથવા વન વિભાગ તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી
આ મુદ્દે ધારાસભ્ય દ્વારા વનમંત્રીને પત્ર લખાતા જ સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમી સંગઠનો પણ હવે આ મુદ્દે સરકાર પાસે સ્પષ્ટતા માંગે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ગ્રામજનોમાં એવી લાગણી છે કે જો રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં માઇનિંગને મંજૂરી મળશે તો આવનારી પેઢી માટે પર્યાવરણ અને વન્યજીવન બંને માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. હાલ સમગ્ર મામલે સરકાર અથવા વન વિભાગ તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી, પરંતુ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના આ પત્ર બાદ બાબરકોટ માઇનિંગ મુદ્દો હવે રાજકીય અને પર્યાવરણના દ્રષ્ટિકોણે વધુ ચર્ચાસ્પદ બન્યો છે.








