Surat Limbayat police half encounter Parvez Ansari: સુરત શહેરમાં ગુનેગારો પર લગામ કસવા માટે પોલીસ હવે આકરા પાણીએ જોવા મળી રહી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં મધરાતે ફરી એકવાર પોલીસ અને ગુનેગાર વચ્ચે ઘર્ષણ થતાં 'હાફ એન્કાઉન્ટર'ની ઘટના બની છે. શહેરના વરાછા, કતારગામ અને મહિધરપુરા જેવા વિસ્તારોમાં તરખાટ મચાવીને રાહદારીઓ પાસેથી લૂંટ ચલાવનાર મૂળ ઝારખંડના રીઢા લૂંટારુ પરવેઝ મુશરફ અન્સારીએ પોલીસ કોન્સ્ટેબલ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. જેના વળતા જવાબમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણે સ્વબચાવમાં આરોપીના ડાબા પગમાં ગોળી મારીને તેને દબોચી લીધો હતો. ગોળી વાગ્યા બાદ ભોંયભેગો થયેલો આરોપી હોસ્પિટલમાં રડતો નજરે પડ્યો હતો.
રાત્રે 3 વાગ્યે નીલગીરી ગ્રાઉન્ડ પાસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ
સુરત શહેરમાં રાત્રિના સમયે બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ PI ડી. ડી. ચૌહાણની આગેવાનીમાં સરકારી વાનમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. રાત્રિના આશરે 3 વાગ્યાના અરસામાં જ્યારે પોલીસની ટીમ લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અંધારામાં ઉભેલો એક શંકાસ્પદ શખસ પોલીસની ગાડી જોઈને અચાનક ગભરાઈ ગયો હતો અને ગ્રાઉન્ડ તરફ દોટ મૂકી હતી. આ શખસની શંકાસ્પદ હિલચાલ જોઈને PI ડી. ડી. ચૌહાણ અને સ્ટાફના જવાનોએ તાત્કાલિક સરકારી વાનમાંથી નીચે ઉતરીને અંધારામાં તેનો પીછો શરૂ કર્યો હતો અને તેને ચારેબાજુથી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
હવામાં ફાયરિંગ છતાં PI પર હુમલો કરવા ધસી આવ્યો આરોપી
પોલીસ ટીમ જ્યારે દોડીને આરોપીની એકદમ નજીક પહોંચી ગઈ ત્યારે સાથે રહેલા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહે હિંમત દાખવી આરોપીને પકડી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીએ પોતાની કમરમાં છુપાવેલું ધારદાર ચપ્પુ કાઢીને કોન્સ્ટેબલ અનિલકુમારના પેટ અને કમરના ભાગે હુલાવી દીધું હતું, જેના કારણે કોન્સ્ટેબલ લોહીલુહાણ થઈ ગયા હતા. પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા PI ડી. ડી. ચૌહાણે આરોપીને ચપ્પુ ફેંકી દેવા કડક ચેતવણી આપી હતી અને તેને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું તેમછતાં આરોપી શરણે થવાને બદલે વધુ ઉશ્કેરાઈને ખુલ્લા ચપ્પુ સાથે PI પર પણ જીવલેણ હુમલો કરવા ધસી આવ્યો હતો. આખરે પોતાનો અને સ્ટાફનો જીવ બચાવવા PI એ સ્વબચાવમાં બીજો રાઉન્ડ ફાયરિંગ કરીને આરોપીના ડાબા પગમાં ગોળી ધરબી દીધી હતી.
ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને ખાનગી હોસ્પિટલ અને ઈજાગ્રસ્ત આરોપીને સિવિલમાં ખસેડાયા
પગમાં ગોળી વાગતા જ આરોપી પરવેઝ અન્સારી સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો, જે બાદ પોલીસે તેને કાબૂમાં લઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા આરોપીને કડક પોલીસ જાપ્તા હેઠળ રિક્ષામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યારે આરોપીના ચપ્પુના હુમલામાં ઘાયલ થયેલા પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમારને તાત્કાલિક સારવાર માટે લિંબાયતની ગેલેક્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વરાછા, કતારગામ અને મહિધરપુરાની લૂંટનો ભેદ ઉકેલાયો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીની ઓળખ મૂળ ઝારખંડના વતની અને હાલમાં લિંબાયતના મમતા ટોકીઝ પાસે રહેતા પરવેઝ મુશરફ અન્સારી તરીકે થઈ છે. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, ગતરોજ વહેલી સવારે તેણે પોતાના સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને શહેરના વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં રાહદારીઓને નિશાન બનાવી લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલા સહિત ₹31,000ની કિંમતના 6 મોબાઈલ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસની તપાસ હાથ ધરી છે તેમજ ફરાર સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
6 મહિનામાં લિંબાયત પોલીસનું બીજું હાફ એન્કાઉન્ટર
ઉલ્લેખનીય છે કે, સુરતની લિંબાયત પોલીસ દ્વારા ગુનેગારો પર ફાયરિંગ કરવામાં આવ્યું હોય એવી છેલ્લા 6 મહિનામાં આ બીજી ઘટના છે. આ અગાઉ 11 મે, 2026ના રોજ લિંબાયતના રામજી મંદિર પાસે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં 17 વર્ષીય અનુરાગ પવાર નામના યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના ગુનામાં ફરાર આરોપી રાહુલ જોગીને લિંબાયત પોલીસ બાતમીના આધારે મીઠી ખાડી પાસેથી પકડવા ગઈ ત્યારે તેણે પણ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. તે સમયે પણ પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી આરોપી રાહુલ જોગીના પગમાં ગોળી મારી તેને ઝડપી પાડ્યો હતો.

વિશેષ અને વધારાની માહિતી
સ્વબચાવમાં પોલીસ ફાયરિંગનો કાયદો: ભારતીય ન્યાય સંહિતાની કલમ-34થી 44 હેઠળ 'ખાનગી બચાવના અધિકાર'ની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કોઈ ગુનેગાર પોલીસ અધિકારી કે અન્ય નાગરિક પર જીવલેણ હથિયારથી હુમલો કરે અને મૃત્યુ કે ગંભીર ઈજા થવાની પૂરી આશંકા હોય, ત્યારે પોલીસ અધિકારી ચેતવણી આપ્યા બાદ સ્વબચાવમાં ન્યૂનતમ બળનો ઉપયોગ કરીને પગના ભાગે ફાયરિંગ કરી શકે છે.
એન્કાઉન્ટર બાદની ફરજિયાત પ્રક્રિયા: સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા (PUCL vs State of Maharashtra) મુજબ, પોલીસ ફાયરિંગની દરેક ઘટના બાદ અલગથી FIR નોંધવી, ઘાયલ વ્યક્તિને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવી અને સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રેટ અથવા સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરાવવી અનિવાર્ય હોય છે.








