Surat Bullet Train Station inside look diamond theme: દેશના સૌથી મહત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ આગામી મે 2027માં સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ તબક્કાની સ્વદેશી બુલેટ ટ્રેન દોડાવવાની (ટ્રાયલ રન) તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ઐતિહાસિક સફરના મુખ્ય કેન્દ્રબિંદુ એવા સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની ભવ્યતા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓની પ્રથમ ઝલક સામે આવી છે. 'ડાયમંડ સિટી' તરીકે વિશ્વભરમાં જાણીતા સુરતની ઓળખને જીવંત રાખતા આ સ્ટેશનની બાહ્ય અને આંતરિક ડિઝાઇન હીરાના પાસાંની થીમ પર તૈયાર કરવામાં આવી છે, જે મુસાફરોને એરપોર્ટ જેવી વર્લ્ડ-ક્લાસ અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે.
ત્રણ માળનું વિશાળ માળખું અને મુસાફરલક્ષી અદ્યતન સુવિધાઓ
સુરત-બારડોલી રોડ નજીક અંત્રોલી ગામ ખાતે નિર્માણ પામેલા આ ભવ્ય સ્ટેશનની કુલ ઊંચાઈ 26.3 મીટર અને કુલ બિલ્ટ-અપ એરિયા 58,352 ચોરસ મીટર છે. સમગ્ર સ્ટેશન બિલ્ડિંગને ત્રણ મુખ્ય સ્તરમાં વહેંચવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ લેવલ પર વિશાળ પાર્કિંગ સુવિધા, કાર-બસ અને રિક્ષા માટે અલગ પિક-એન્ડ-ડ્રોપ બે, સિક્યોરિટી ચેક, લિફ્ટ અને એસ્કેલેટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. વચ્ચેના કોન્કોર્સ લેવલ પર આરામદાયક વેઇટિંગ લાઉન્જ, ટિકિટ કાઉન્ટર, રિટેલ આઉટલેટ્સ, ઇન્ફોર્મેશન કિઓસ્ક, નર્સરી અને આધુનિક શૌચાલયો રહેશે, જ્યારે સૌથી ઉપરના સ્તરે પ્લેટફોર્મ લેવલ તૈયાર કરવામાં આવ્યું છે. વૃદ્ધો, દિવ્યાંગો અને નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોની સુવિધા માટે દરેક સ્તર પર મલ્ટિપલ લિફ્ટ, એસ્કેલેટર, સ્પષ્ટ સાઇનેજ અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે.
‘મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન’ પ્લાનથી ટ્રાફિકની સમસ્યા થશે દૂર
મુસાફરોને બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચવા અને ત્યાંથી શહેરના અન્ય વિસ્તારોમાં જવા માટે ટ્રાફિકની કોઈ સમસ્યા ન નડે તે માટે ખાસ 'મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન' પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સુરત મહાનગરપાલિકા અને સુડાના સહયોગથી સ્ટેશન વિસ્તારનો આયોજનબદ્ધ વિકાસ થઈ રહ્યો છે. આ આયોજન મુજબ પ્રસ્તાવિત સુરત મેટ્રો સ્ટેશન માત્ર 280 મીટર અને BRTS બસ સ્ટોપ માત્ર 330 મીટરના અંતરે રહેશે. આ ઉપરાંત, નેશનલ હાઈ-વે 48 અને ચલથાણ રેલવે સ્ટેશન 5 કિ.મી., સુરત સિટી બસ સ્ટેન્ડ 10 કિ.મી. અને સુરત મુખ્ય રેલવે સ્ટેશન 11 કિ.મી.ના અંતરે હોવાથી મુસાફરો ખૂબ જ ઓછા સમયમાં અન્ય પરિવહન સેવાઓનો લાભ લઈ શકશે.
પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગનો અભિગમ
આ સ્ટેશનના નિર્માણમાં આધુનિકતાની સાથે-સાથે પર્યાવરણની જાળવણીનો પણ વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે. 'ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ'ના માપદંડો મુજબ સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પાણીની બચત કરતા લો-ફ્લો સેનિટરી ફિક્સર અને ઇકો-ફ્રેન્ડલી પેઇન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન કૃત્રિમ વીજળી અને લાઇટનો વપરાશ ઘટાડવા માટે છતમાં સ્કાયલાઇટ્સ અને વિશાળ ઓપનિંગ્સ રાખવામાં આવ્યા છે, જેનાથી પ્લેટફોર્મ અને કોન્કોર્સ વિસ્તારમાં કુદરતી પ્રકાશ અને શુદ્ધ હવાની અવરજવર જળવાઈ રહેશે. સ્ટેશન પરિસરમાં છોડ અને રોપાઓ સાથેનું આકર્ષક લેન્ડસ્કેપિંગ મુસાફરોને શાંત અને તાજગીભર્યું વાતાવરણ પૂરું પાડશે.
ગ્રાઉન્ડ ફ્લોર, કોનકોર્સ અને પ્લેટફોર્મ લેવલની સુવિધાઓ
મુસાફરોની સરળ અવરજવર માટે સ્ટેશનને ત્રણ મુખ્ય સ્તરોમાં ડિઝાઇન કરાયું છે. સ્ટેશનની બંને બાજુથી મુસાફરો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્રી કોનકોર્સ એરિયા દ્વારા પ્રવેશ કરી શકશે અને ત્યારબાદ સિક્યોરિટી ચેકિંગમાંથી પસાર થઈને અનપેઇડ કોનકોર્સ એરિયામાં જઈ શકશે. ખાસ વાત એ છે કે, સમગ્ર અનપેઇડ કોનકોર્સ વિસ્તાર સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ રાખવામાં આવ્યો છે, જ્યાં વિશાળ વેઇટિંગ લાઉન્જ, ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, કસ્ટમર કેર સેન્ટર, લાઇવ ટ્રેન ડિસ્પ્લે સિસ્ટમ, પીવાના પાણીના પોઇન્ટ્સ, અલગ શૌચાલયો તેમજ માતાઓ માટે નર્સરી, બેબી ફીડિંગ રૂમ અને ફર્સ્ટ એઇડ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
4 ટ્રેક અને 2 આઇલેન્ડ પ્લેટફોર્મ
ટિકિટ ધરાવતા મુસાફરો ઓટોમેટિક ફેર કલેક્શન ગેટ દ્વારા પેઇડ એરિયામાં પ્રવેશ મેળવી શકશે, જ્યાંથી દરેક પ્લેટફોર્મ પર પહોંચવા માટે અલગ એલિવેટર, એસ્કેલેટર અને સીડીઓની સુવિધા આપવામાં આવી છે. પેઇડ કોનકોર્સમાં પણ કિઓસ્ક, પીવાનું પાણી, શૌચાલય અને સુરતની કલા-સંસ્કૃતિને ઉજાગર કરતી આકર્ષક આર્ટ વોલની જોગવાઈ કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે સુરત સ્ટેશનને 'ઓલ-સ્ટોપ' સ્ટેશન તરીકે આયોજિત કરવામાં આવ્યું છે, એટલે કે આ રૂટ પર દોડનારી તમામ બુલેટ ટ્રેનો સુરત સ્ટેશન પર અચૂક ઊભી રહેશે, જેના માટે સ્ટેશન પર 4 ટ્રેક અને 2 વિશાળ આઇલેન્ડ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે.
મજબૂત બાંધકામ, દિવ્યાંગો માટે અવરોધમુક્ત વાતાવરણ અને EV પાર્કિંગની વિશેષ સુવિધા
સ્ટેશનના બાંધકામ અને ઇન્ટિરિયરમાં ટકાઉપણું અને ઓછા મેઇન્ટેનન્સ માટે ફાયર-રેટેડ એલ્યુમિનિયમ કમ્પોઝિટ પેનલ્સ, ગ્રેનાઈટ ફ્લોરિંગ, લેકર્ડ ગ્લાસ ક્લેડિંગ અને સ્ટેનલેસ સ્ટીલ પેનલ્સનો ઉપયોગ કરાયો છે, જ્યારે છત પરથી વાઇબ્રેશન હેંગર્સ પણ લગાવવામાં આવ્યા છે. દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, સુલભ શૌચાલય, ટેક્ટાઇલ પાથ-વે અને બ્રેઇલ લિપિમાં સાઇનેજ બોર્ડ મૂકવામાં આવ્યા છે. સ્ટેશનની બહારના પ્લાઝા વિસ્તારમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો, છાંયડાવાળા વોક-વે અને બગીચા વિકસાવવામાં આવ્યા છે, તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે અલગ પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન તથા બસ, કાર, ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માટે અલાયદી પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે.
વિશેષ અને વધારાની માહિતી
સુરત-બીલીમોરા પ્રથમ તબક્કાની અદ્યતન સ્થિતિ: નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા સુરત અને બીલીમોરા વચ્ચેના 50 કિલોમીટરના પ્રથમ તબક્કામાં ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (2x25 kV ટ્રેક્શન સિસ્ટમ) નું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને જાન્યુઆરી 2027 સુધીમાં સિગ્નલિંગનું કામ પૂરું થતાં મે 2027માં સ્વદેશી 'B28' હાઈ-સ્પીડ ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે.
508 કિલોમીટરનો સમગ્ર કોરિડોર: મુંબઈથી અમદાવાદ વચ્ચેનો કુલ 508 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન કોરિડોર 12 સ્ટેશનોને જોડશે, જેમાં ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેન શરૂ થવાથી મુંબઈથી અમદાવાદ વચ્ચેની મુસાફરી માત્ર 2 કલાકથી ઓછા સમયમાં પૂરી કરી શકાશે.








