SpiceJet Flight Cancelled Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર ખાનગી એરલાઇન્સ કંપની 'સ્પાઇસજેટ'ની ઘોર બેદરકારી અને અણઘડ વહીવટ સામે આવ્યો છે. બુધવારે રાત્રે 10.20 વાગ્યે અમદાવાદથી નવી દિલ્હી જવા રવાના થનારી ફ્લાઇટને એક-બે વાર નહીં, પરંતુ અંદાજે 10 વખત ડિલે કર્યા બાદ અંતે રાત્રે 12 વાગ્યે અચાનક જ કેન્સલ કરી દેવામાં આવી હતી. એરલાઇન્સના આ મનસ્વી નિર્ણયને કારણે 100થી વધુ મુસાફરો અડધી રાત્રે એરપોર્ટ પર નોંધારા બનીને રઝળી પડ્યા હતા, જેના પગલે ટર્મિનલ પર ભારે હોબાળો મચી ગયો હતો.
મહિલા મુસાફરો અને પરિવારો માટે રહેવાની કે વૈકલ્પિક ફ્લાઇટની કોઈ વ્યવસ્થા ન કરાતા રોષ
અડધી રાત્રે ફ્લાઇટ કેન્સલ થવાને કારણે સૌથી વધુ કફોડી હાલત દૂર-દૂરના શહેરોમાંથી આવેલી મહિલા મુસાફરો, વૃદ્ધો અને નાના બાળકો સાથે મુસાફરી કરી રહેલા પરિવારોની થઈ હતી. મુસાફરોનો આક્ષેપ છે કે, ફ્લાઇટ કેન્સલ થયા બાદ એરલાઇન્સ દ્વારા ન તો તેમના માટે હોટેલમાં રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી કે ન તો અન્ય કોઈ ફ્લાઇટમાં વૈકલ્પિક મુસાફરીની સુવિધા આપવામાં આવી હતી. સ્પાઇસજેટના સ્ટાફ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા મુસાફરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

‘રિફન્ડ નથી જોઈતું, તમારી ભિખારી કંપનીને ડોનેટ કરું છું’: મુસાફર
કલાકો સુધી હેરાન થયા બાદ જ્યારે સ્પાઇસજેટના કર્મચારીઓએ મુસાફરોને ટિકિટનું રિફન્ડ આપવાની વાત કરી ત્યારે એક મુસાફરનો પિત્તો ગયો હતો. તેણે ભારે આક્રોશ સાથે સ્ટાફને સંભળાવ્યું હતું કે, "મારે રિફન્ડ નથી જોઈતું, તમને અને તમારી આ ભિખારી કંપનીને હું ડોનેટ કરું છું" આ ઉપરાંત, મુસાફરોએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, લોકોની લાચારી અને મુશ્કેલી જોઈને સ્પાઇસજેટના કર્મચારીઓ મદદ કરવાને બદલે હસીને મજાક ઉડાવી રહ્યા હતા.
છેલ્લી ઘડી સુધી ફ્લાઇટ જશે એવો ખોટો ભરોસો આપી ગેરમાર્ગે દોર્યાનો આક્ષેપ
ગત 18 નવેમ્બરના રોજ રાત્રે 10.20 કલાકે ટેક ઓફ થનારી દિલ્હીની ફ્લાઇટ માટે મુસાફરો સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા હતા. મુસાફરોના જણાવ્યા અનુસાર એરલાઇન્સના સ્ટાફ દ્વારા શરૂઆતથી જ "ફ્લાઇટ થોડી વારમાં જશે" એવો ખોટો ભરોસો આપીને સતત 10 વખત સમય બદલવામાં આવ્યો હતો. જો એરલાઇન્સે પહેલેથી જ સાચી સ્થિતિ જણાવી હોત તો મુસાફરો અન્ય એરલાઇન્સ કે ટ્રેનનો વિકલ્પ પસંદ કરી શક્યા હોત, પરંતુ છેલ્લી ઘડી સુધી ગેરમાર્ગે દોર્યા બાદ રાત્રે 12 વાગ્યે ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી હતી.

પીવાના પાણી માટે પણ પૂછવામાં ન આવ્યું
એરપોર્ટ પર થયેલી ઉગ્ર બોલાચાલીના વાયરલ વીડિયોમાં મુસાફરો સ્પાઇસજેટના કર્મચારીઓને કહેતા સંભળાય છે કે, "કલાકોથી લોકો અહીં ભૂખ્યા-તરસ્યા બેઠા છે, પરંતુ અત્યાર સુધી એરલાઇન્સ તરફથી પીવાના પાણી માટે પણ પૂછવામાં આવ્યું નથી અને ઉપરથી તમે લોકો દાંત કાઢી રહ્યા છો." આ દરમિયાન અન્ય એક મુસાફરે પોતાનો કડવો અનુભવ જણાવતા કહ્યું હતું કે, "રિફન્ડની તો વાત જ ન કરો, અગાઉ પણ મારી સાથે આવું જ થયું હતું, જેનું રિફન્ડ મને 4 મહિના બાદ માંડ-માંડ મળ્યું હતું; તમારી કંપનીમાં રિફન્ડ પણ સમયસર મળતું નથી."
વિશેષ અને વધારાની માહિતી
ફ્લાઇટ કેન્સલ થાય કે મોડી પડે તો DGCAના નિયમો શું કહે છે?: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના 'પેસેન્જર ચાર્ટર' મુજબ, જો કોઈ એરલાઇન્સ ફ્લાઇટ ઉપડવાના 24 કલાક પહેલાં જાણ કર્યા વિના ફ્લાઇટ રદ કરે છે તો એરલાઇન્સે મુસાફરને સંપૂર્ણ રિફન્ડ અથવા વૈકલ્પિક ફ્લાઇટ ઉપરાંત મુસાફરીના અંતર મુજબ ₹5,000થી ₹10,000 સુધીનું વળતર ચૂકવવું પડે છે.
પ્રાથમિક સુવિધાઓનો અધિકાર: નિયમ અનુસાર, જો ફ્લાઇટ 2 કલાકથી વધુ મોડી પડે તો એરલાઇન્સે મુસાફરોને નિઃશુલ્ક ભોજન અને નાસ્તો આપવા ફરજિયાત છે અને જો ફ્લાઇટ રાત્રિના સમયે રદ થાય અથવા 6 કલાકથી વધુ મોડી પડે તો મુસાફરો માટે નિઃશુલ્ક હોટેલમાં રહેવાની અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી એરલાઇન્સની કાયદેસરની ફરજ છે.








