મારું ગુજરાત

જૂનાગઢ મેડિકલ કોલેજના મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી નિધન, 7 દિવસના બદલે 2 જ દિવસની રજા મોતનું કારણ?

27 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
જૂનાગઢ મેડિકલ કોલેજના મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી નિધન, 7 દિવસના બદલે 2 જ દિવસની રજા મોતનું કારણ?

Junagadh resident doctor Sonali Odedra dengue death: જૂનાગઢની સરકારી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુની જીવલેણ અસરને કારણે અકાળે અવસાન થતાં તબીબી આલમ અને આખા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ડો. સોનાલી ઓડેદરા તેમના ઓર્થોપેડિક સર્જન પતિ અને ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે જૂનાગઢમાં જ વસવાટ કરતા હતા. એક્સપર્ટના મતે ડેન્ગ્યુ જે ગંભીર તબક્કામાં હતો તેમાં ઓછામાં ઓછા 7 દિવસ સુધી સંપૂર્ણ આરામ અને ઓબ્ઝર્વેશન અત્યંત જરૂરી હોય છે, પરંતુ તેમને માત્ર બે દિવસની રજા મળતા ફરજ પર પરત ફરવું જીવલેણ સાબિત થયું હતું.

બે દિવસની રજા બાદ બુધવારે આખો દિવસ ડ્યુટી કરી અને રાત્રે તબિયત લથડી
પ્રાપ્ત વિગતો અનુસાર ડો. સોનાલી ઓડેદરાને ગત શનિવારે ડેન્ગ્યુનું નિદાન થયું હતું, જેના કારણે તેમણે પોતાના વિભાગમાંથી રજાની માંગણી કરી હતી. જોકે, તેમને માત્ર બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવારની જ રજા મંજૂર કરવામાં આવી હતી. બે દિવસના ટૂંકા આરામ બાદ ડો. ઓડેદરા બુધવારે ફરીથી મેડિકલ કોલેજમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા અને આખો દિવસ સતત ડ્યુટી બજાવી હતી પરંતુ, બુધવારે રાત્રે જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમની તબિયત અચાનક જ અત્યંત ગંભીર રીતે બગડી ગઈ હતી. તેમના ડોક્ટર પતિ દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે સૌપ્રથમ કલ્પ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે કે.જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ લઈ જતી વખતે જેતપુર પહેલાં જ તબિયત વધુ બગડી
જૂનાગઢની બંને ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવેલી સારવાર છતાં તેમની સ્થિતિમાં સુધારો ન જણાતા, અંતે પરિવારજનો અને તબીબો દ્વારા તેમને વધુ ઉચ્ચ સારવાર માટે રાજકોટ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા તેમને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ, એમ્બ્યુલન્સ જેતપુર પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમની તબિયત અત્યંત નાજુક બની ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તેમને તાત્કાલિક પરત જૂનાગઢ લાવવામાં આવ્યા હતા, જ્યાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પૂરતી રજા ન મળતા મોત થયાની ચર્ચા
મૃતક રેસિડેન્ટ ડોક્ટર સોનાલી ઓડેદરા જૂનાગઢ મેડિકલ કોલેજના એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હતા. ડેન્ગ્યુની બીમારીને કારણે તેમણે ડિપાર્ટમેન્ટના હેડ પાસેથી રજા માંગી હતી, જેની સામે તેમને ફક્ત બે દિવસની રજા આપવામાં આવી હતી. જોકે, સિવિલ હોસ્પિટલના જ અન્ય વરિષ્ઠ ડોક્ટરોના જણાવ્યા મુજબ, ડેન્ગ્યુ જ્યારે આ પ્રકારના સ્ટેજ પર હોય ત્યારે દર્દીએ ઓછામાં ઓછી સાત દિવસની રજા અને સંપૂર્ણ બેડ-રેસ્ટ લેવો અનિવાર્ય હોય છે. વિભાગ દ્વારા પૂરતી રજા ન આપવામાં આવતા અને શારીરિક શ્રમ પડતા યુવા તબીબને જીવ ગુમાવવો પડ્યો હોવાની ચર્ચાએ ભારે વેગ પકડ્યો છે.

‘હોસ્પિટલ લવાયા ત્યારે ખેંચ આવી ગઈ હતી’— ડો. રાહુલ માણેક
સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપતા કે.જે. હોસ્પિટલના તબીબ ડો. રાહુલ માણેકે જણાવ્યું હતું કે, "બુધવારે રાત્રે 11 વાગ્યે ડો. સોનાલી ઓડેદરાને તેમના ડોક્ટર પતિ અમારી કે.જે. હોસ્પિટલમાં લઈને આવ્યા હતા, ત્યારે તેમની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી અને તેમને ખેંચ પણ આવી ગઈ હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ SDP (સિંગલ ડોનર પ્લેટલેટ્સ) અને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે પરિવારજનોએ તેમને રાજકોટ લઈ જવાનો નિર્ણય લીધો હતો, પરંતુ જેતપુર સુધી પહોંચતા સ્થિતિ વધુ વણસતા પરત જૂનાગઢમાં જ સારવાર લેવી પડી હતી." પ્લેટલેટ કાઉન્ટ અત્યંત ઝડપથી ઘટી જવાને કારણે આ દુઃખદ અવસાન થયું હતું.

બુધવારે સવારે 10.16 વાગ્યે રિપોર્ટ નોર્મલ આવ્યો હતો
આ ઘટનાની સૌથી ચોંકાવનારી અને કરુણ બાબત એ છે કે સોમવાર અને મંગળવારની રજા બાદ પણ ડો. સોનાલી ઓડેદરાને શારીરિક અસ્વસ્થતા જણાતી હોવાથી તેમણે બુધવારે સવારે સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુને લગતા લોહીના રિપોર્ટ કરાવ્યા હતા. સવારે 10.16 વાગ્યે આવેલા આ રિપોર્ટમાં તેમના પ્લેટલેટ કાઉન્ટ એકદમ નોર્મલ આવતા તેમને મોટો હાશકારો થયો હતો અને તેઓ ડ્યુટી પર લાગ્યા હતા. પરંતુ ડેન્ગ્યુના 'ક્રિટિકલ ફેઝ' ની જેમ જ, સવારે નોર્મલ રિપોર્ટ આવ્યા બાદ સાંજે 8 વાગ્યા પછી અચાનક તેમની તબિયત લથડી હતી અને ગણતરીના કલાકોમાં જ તેમનું નિધન થયું હતું.

ડેન્ગ્યુમાં 7 દિવસનો આરામ કેમ જરૂરી?
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. ધ્રુમિલ કણસાગરાએ ડેન્ગ્યુની ગંભીરતા સમજાવતા નીચે મુજબની મહત્વપૂર્ણ જાણકારી આપી છે:

ડેન્ગ્યુ કેવી રીતે થાય અને ઘાતક ક્યારે બને?
ડેન્ગ્યુ 'એડીસ' (Aedes) નામના મચ્છરના કરડવાથી ફેલાય છે, જે મુખ્યત્વે દિવસ દરમિયાન (સવાર અને સાંજના સમયે) કરડે છે અને ચોખ્ખા, સ્થિર પાણીમાં ઈંડા મૂકે છે. સામાન્ય ડેન્ગ્યુ ઉપરાંત 'ડેન્ગ્યુ હેમરેજિક ફીવર' અને 'ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ' જીવલેણ બની શકે છે, જેમાં લોહીની નળીઓમાંથી પ્રવાહી લીક થાય છે, બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય છે અને પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે.

કેટલા દિવસનો આરામ જરૂરી?
તાવ ઉતરી ગયા પછી પણ ઓછામાં ઓછા 7 દિવસ સુધી પૂરતો શારીરિક આરામ કરવો અત્યંત જરૂરી છે અને ભારે મહેનત કે શ્રમ બિલકુલ ટાળવો જોઈએ.

મુખ્ય લક્ષણો અને પ્રાથમિક કાળજી:
અચાનક તીવ્ર તાવ આવવો, માથામાં અને આંખોના પાછળના ભાગમાં દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં અસહ્ય દુખાવો, ઉબકા-ઉલટી અને અશક્તિ તેના મુખ્ય લક્ષણો છે. લક્ષણો દેખાતા જ ડોક્ટરનો સંપર્ક કરવો, જાતે કોઈ પેઈનકિલર ન લેવી અને ડિહાઈડ્રેશનથી બચવા પાણી, ORS, નાળિયેર પાણી, લીંબુ શરબત અને સૂપ જેવા પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવા જોઈએ.

વિશેષ અને વધારાની માહિતી

  • ડેન્ગ્યુનો ‘ક્રિટિકલ ફેઝ’ (Critical Phase) શું હોય છે?: તબીબી વિજ્ઞાન મુજબ, ડેન્ગ્યુમાં જ્યારે તાવ ઉતરવા લાગે છે (સામાન્ય રીતે 3જાથી 6ઠ્ઠા દિવસે), તે સમયગાળો સૌથી વધુ જોખમી એટલે કે 'ક્રિટિકલ ફેઝ' હોય છે. આ તબક્કામાં સવારે લોહીના રિપોર્ટ નોર્મલ હોવા છતાં થોડા જ કલાકોમાં પ્લાઝ્મા લીકેજ થવાથી બ્લડ પ્રેશર ઘટી શકે છે અને પ્લેટલેટ્સ ઝડપથી તૂટી શકે છે. તેથી, તાવ ઉતર્યા બાદના 48થી 72 કલાક સંપૂર્ણ આરામ અને તબીબી દેખરેખ અનિવાર્ય ગણાય છે.

Tags:
NegligenceMedical CollegeDoctor DeathDengue GujaratJunagadh News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026