Junagadh Farmers Demands: જૂનાગઢ જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં સિંહ અને દીપડા સહિતનાં હિંસક વન્યપ્રાણીઓના હુમલાની વધતી ઘટનાઓને પગલે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ છે. તાજેતરમાં વિસાવદરના રબારીકા ગામે સિંહના હુમલામાં ખેતમજૂરનું કરુણ મોત થયું હતું. આ ઘટનાને પગલે ભારતીય કિસાન સંઘે વન વિભાગ સામે મોરચો ખોલ્યો છે. વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સંમેલન યોજ્યા બાદ કિસાન સંઘે વિસાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આવેદનપત્ર પાઠવી 8 મુખ્ય માગણીઓ રજૂ કરી છે. તેમાં વન્યપ્રાણીના હુમલામાં કોઈ વ્યક્તિનું મોત થાય તો પરિવારને ₹50 લાખ વળતર અને એક સભ્યને સરકારી અથવા યોગ્ય નોકરી આપવાની માગ પણ સામેલ છે.
વિસાવદરમાં ખેડૂત સંમેલન યોજી વન વિભાગ સામે રજૂઆત
જૂનાગઢ જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં છેલ્લા બે વર્ષથી ખેડૂતો અને ખેતમજૂરો પર વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધી રહી હોવાનો ભારતીય કિસાન સંઘે આક્ષેપ કર્યો છે. સંગઠનના જણાવ્યા મુજબ, સરકાર અને વન વિભાગ દ્વારા માત્ર કાગળ પરની કામગીરી અને નિવેદનો કરવામાં આવે છે, જ્યારે ગામડાંમાં રહેતા લોકોના જીવ જોખમમાં છે. આ મુદ્દે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું. સંમેલન પૂર્ણ થયા બાદ ખેડૂતોને સાથે રાખીને ભારતીય કિસાન સંઘે વિસાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવી તાત્કાલિક પગલાં ભરવાની માગ કરવામાં આવી હતી.
વન્યપ્રાણીના હુમલામાં મોત થાય તો ₹50 લાખ વળતર આપો
કિસાન સંઘે રજૂ કરેલી માગણીઓમાં વન્યપ્રાણીઓના હુમલામાં ઈજાગ્રસ્ત થનારા અને જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે વળતરની રકમ વધારવાની માગ મુખ્ય છે. સંગઠને જણાવ્યું છે કે હુમલામાં ઈજાગ્રસ્ત ખેડૂત કે ખેતમજૂરના આજીવન નિભાવ માટે ₹10 લાખ આપવામાં આવે, જ્યારે મૃત્યુના કિસ્સામાં પરિવારને ₹50 લાખનું વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત પરિવારના એક સભ્યને સરકારી અથવા યોગ્ય નોકરી આપવાની પણ માગ કરવામાં આવી છે.
કિસાન સંઘની વન વિભાગ સમક્ષ 8 મુખ્ય માગણીઓ
રબારીકા ઘટનાની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી: રબારીકા ગામે ખેતમજૂર પર થયેલા જીવલેણ હુમલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
હિંસક પ્રાણીઓને જંગલમાં પરત લઈ જવામાં આવે: સિંહ કે અન્ય હિંસક વન્યપ્રાણીઓ જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તારમાં પ્રવેશે ત્યારે તેમને તાત્કાલિક અને સુરક્ષિત રીતે ફરી જંગલમાં લઈ જવામાં આવે.
હુમલાની ઘટના વખતે સજ્જ વાન મોકલવામાં આવે: વન્યપ્રાણીના હુમલાની જાણ થાય ત્યારે માત્ર એક-બે કર્મચારીઓને મોકલવાને બદલે 108 આરોગ્ય સેવાની જેમ પૂરતા સાધન-સરંજામ સાથે સજ્જ વાન મોકલવામાં આવે, જેથી હુમલાખોર પ્રાણીને વહેલી તકે પકડી શકાય.
જંગલની સરહદે મજબૂત ફેન્સિંગ કરવામાં આવે: વન્યપ્રાણીઓ રહેણાંક અને ખેતીના વિસ્તારોમાં પ્રવેશ ન કરે તે માટે જંગલ વિસ્તારની સરહદ પર મજબૂત ફેન્સિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
હુમલામાં ઈજા કે મૃત્યુ થાય તો યોગ્ય વળતર અને નોકરી મળે: ઈજાગ્રસ્ત ખેડૂત કે ખેતમજૂરને આજીવન નિભાવ માટે ₹10 લાખ અને મૃત્યુના કિસ્સામાં પરિવારને ₹50 લાખ વળતર આપવામાં આવે. સાથે જ પરિવારના એક સભ્યને સરકારી અથવા યોગ્ય નોકરી આપવામાં આવે.
દરેક ગામમાં વન્યપ્રાણી અંગે જાગૃતિ બેઠક યોજાય: માનવ પર હુમલો, મૃત્યુ, પશુ મારણનું વળતર, વન્યપ્રાણીઓના શેડ્યૂલ તેમજ વન્યપ્રાણીના મૃત્યુના કિસ્સામાં લાગુ પડતા દંડ અને સજાની સ્પષ્ટ માહિતી આપવા દરેક ગામમાં જાહેર મિટિંગો યોજવામાં આવે.
વન્યપ્રાણીની હિલચાલ અંગે અગાઉથી જાણ કરવામાં આવે: જંગલમાં પૂરતો ખોરાક કે પાણી ન મળવાને કારણે પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવતાં હોય તો તેમનું લોકેશન મેળવી આસપાસનાં ગામોને અગાઉથી જાણ કરવામાં આવે, જેથી લોકો સાવચેત રહી શકે.
ભવિષ્યમાં માનવ મૃત્યુ થાય તો જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધાય: વન્યપ્રાણીના હુમલામાં ભવિષ્યમાં કોઈ વ્યક્તિનું મોત થાય તો જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
માગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી
ભારતીય કિસાન સંઘે વન વિભાગ અને વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે રજૂ કરાયેલી તમામ માગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવે. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતોને નાછૂટકે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે. આવી સ્થિતિમાં ઊભી થનારી પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને ફોરેસ્ટ વિભાગની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.








