Junagadh Religious Conversion Case: જૂનાગઢમાં યુવતી પર દુષ્કર્મ અને ધમકી આપવાના કેસમાં હવે ધર્મપરિવર્તનનો મામલો પણ સામે આવ્યો છે. યુવતીના નિવેદન બાદ પોલીસ તપાસમાં દરગાહના મુંજાવર અને તેના પુત્ર સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળની કલમો ઉમેરવામાં આવી છે. યુવતીને અલગ-અલગ દરગાહમાં લઈ જઈ સલામી કરાવવામાં આવી હોવાના ફોટા અને વીડિયો પણ પોલીસે કબજે કર્યા છે. આ મામલે તપાસ માટે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.
યુવતી સાથે દુષ્કર્મ અને ધમકી આપ્યાની ફરિયાદ
મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં એકલી રહેતી યુવતી બીમારીના કારણે સંઘાડીયા બજારમાં આવેલી મોનીસા પીરની દરગાહમાં જતી હતી. આ દરમિયાન દરગાહના મુંજાવરના પુત્રએ યુવતીને લગ્ન કરવાની વાત કરી હતી. યુવતીએ ઇનકાર કરતાં યુવક દ્વારા માર મારવો, છરીથી હુમલો કરવો અને દુષ્કર્મ આચરવાના આક્ષેપો થયા છે. આ ઉપરાંત યુવતીના ફોટા અને વીડિયો ઉતારી તેને સગા-સંબંધીઓને મોકલી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. યુવતીએ આ અંગે યુવકના પિતા અને દરગાહના મુંજાવરને જાણ કરતાં તેમણે પણ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ મામલે યુવતીએ થોડા દિવસ પહેલાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નિવેદનમાં ધર્મપરિવર્તન કરાવ્યાનો ખુલાસો
પોલીસે ભોગ બનનાર યુવતીનું નિવેદન લેતાં ધર્મપરિવર્તન કરાવ્યાનો મામલો સામે આવ્યો હતો. યુવતીના જણાવ્યા અનુસાર, દરગાહના મુંજાવર અને તેના પુત્ર તેને ઉનાવા, ઉના, જાંબુર અને અજમેરની દરગાહોમાં લઈ ગયા હતા, જ્યાં તેની પાસે સલામી કરાવવામાં આવી હતી. આ પ્રસંગોના ફોટા અને વીડિયો પણ લેવામાં આવ્યા હતા, જેને પોલીસે કબજે કર્યા છે. યુવતીના આ નિવેદન બાદ પોલીસે કેસમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003ની કલમો ઉમેરવા માટે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. કોર્ટે આ રિપોર્ટ ગ્રાહ્ય રાખ્યો છે.
તપાસ માટે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને SITની રચના
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ સમગ્ર પ્રકરણમાં પુરાવા એકત્રિત કરશે અને ગુનાના મૂળ સુધી પહોંચવા તપાસ કરશે. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને બીજી કોઈ યુવતી પણ આ પ્રકારના ધર્મપરિવર્તનનો ભોગ બની છે કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.
યુવતીના ઘરેથી બુરખો અને કલમાની બુક સહિતની વસ્તુઓ કબજે
પોલીસ તપાસ દરમિયાન યુવતીના ઘરેથી ઇસ્લામ ધર્મ સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ કબજે કરવામાં આવી છે. તેમાં લીલા રંગનો ઘોડો, દરગાહના ફોટા, નમાજ પઢવા માટે આપવામાં આવેલી કલમાની બુક, બુરખો અને નમાજ પઢવાનું આસન સામેલ છે. યુવતીના જણાવ્યા અનુસાર, બીમારી અને દુઃખ દૂર થઈ જશે તેવી વાતો કહી તેને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે લાલચ અને પ્રલોભન આપવામાં આવ્યાં હતાં. મુંજાવરે તેને પોતાની દીકરી ગણાવી ધર્મ સ્વીકારવાની વાત કરી હોવાનું પણ નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોડીનાર પંથકની કેટલીક તરુણીઓને પણ ઉનાવાની દરગાહમાં લઈ જઈ ધર્મપરિવર્તન કરાવ્યાનો મામલો અગાઉ સામે આવ્યો હતો. તે કેસમાં પણ પોલીસ તપાસ ચાલી રહી છે. હવે જૂનાગઢના આ પ્રકરણમાં ઉનાવાની દરગાહનું નામ ફરી સામે આવતાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.








