Gujarat Weather Warning: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીના આગામી ત્રણ કલાક માટે વરસાદનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. તેમાં રાજ્યના વિવિધ વિસ્તારો માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે. અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ
નાઉકાસ્ટ બુલેટિન મુજબ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિમીથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ 41થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની સંભાવના પણ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, નવસારી, તાપી, નર્મદા, સુરત, પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા-નગર હવેલીનો સમાવેશ થાય છે. અહીં મધ્યમ વરસાદ સાથે તેજ પવન અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના આ જિલ્લાઓમાં યલો એલર્ટ
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં હળવા વરસાદ સાથે થન્ડરસ્ટોર્મની શક્યતા છે. આ વિસ્તારોમાં પવનની ઝડપ સામાન્ય કરતાં વધુ રહી શકે છે અને વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
નાગરિકોને સાવચેત રહેવાની અપીલ
હવામાન વિભાગની ચેતવણીને પગલે નાગરિકોને વરસાદ અને ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ખુલ્લા મેદાન, વીજળીના થાંભલા અને વૃક્ષો નીચે ઊભા ન રહેવા તેમજ વાતાવરણ વધુ ખરાબ હોય ત્યારે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.








